આવ્યા. તેમનો નેજો પરખાણો. આ તો નગરનો જ નેજો. પણ આ વચલે ઘોડે બેઠેલો આદમી કોણ છે ? વજીરોમાંથી કોઈક ? કોઈ સખીઆતી ? અરે, ના રે ના, આ શું ? આ તો બાપુ પોતે જ...” એમ બોલતો કુંવર બુરજનાં ત્રણ પગથિયાં એકસામટાં છલાંગતો નીચે આવ્યો. દરવાણીએ પણ જામને ઓળખી દરવાજા ખોલ્યા.
“શું, બાપુ જખ્મી થયા ?” અજાજીને અમંગલ વિચાર આવ્યો. પણ આવતા પિતાના દેહ પર ક્યાંય લોહી ન દીઠું, ન કોઈ માંદગી માલૂમ પડી. અંદર પ્રવેશ કરીને પળ પણ થોભ્યા વગર જામ સતાજી ગઢમાં ચડી ગયા, અજાજી પાછળ ગયા. સાથેના અસવારો ઊભા હતા તેમણે પોતાનાં માથાં નીચાં ઢાળ્યાં. કુંવર તેમને કશું જ પૂછવાની હિંમત કર્યા વગર પિતા પાસે પહોંચ્યા. જતાંવેંત જ બાપુએ શ્વાસભેર કહ્યું : “રાણીવાસને –સાબદો – કરો. બાળબચ્ચાંને – તૈયાર કરો – મુઝફ્ફરશાને કહો. ઝટ ભાગવા માંડે.”
“પણ શું થયું ?”
“લોમો ને દૌલતખાન – દગો રમ્યા. હરોલીમાં રહીને જ – ખરા ટાણે ખસી ગયા. પણ ફિકર – નથી – આપણું કટક લડે છે.”
“પણ આપ ?”
“હું સૌને – ઠેકાણે – કરી – દેવા –” સતાજીના શ્વાસ સમાતા નહોતા.
“અરે, બાપુ ! બાપુ ! મારા તીરથસ્થાન બાપુ ! આપ શું ગાભરા બન્યા ? આપ સતો જામ ઊઠીને સૌને ઠેકાણે પાડવા પાછા વળ્યા ? જુદ્ધમાંથી પાછા વળ્યા ? ઠેકાણે પાડવાનું શું છે ? બીજા ઠેકાણે પાડનારા ક્યાં ઓછા છે ? કોઈકની જોડે ખબર દીધા નહિ ને પાછાં પગલાં ? સતો જામ પારોઠનાં પગલાં ભરે ? દગાને ટાણે ?”
“કુંવર – મને – તમે – હમણે – કાંઈ – ઠપકો – મદિયો. મારો જીવ – જીવ હં – જીવ – સૌને ઠેકાણે – મુઝફ્ફરશાને – ઠેકાણે –”