પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
224
સમરાંગણ
 

 “જોરારનો ! કોણ બોલે છે એ બોલ ? અઢાર સાલથી નગરમાં ચાલતી આ ગાળ આંહીં પણ કોણ ઉચ્ચારે છે ? હું – હું નેકપાક ઈસર બારોટનો બેટો ગોપાળ બારોટ અહીં બેઠે એ કોણ અપશબ્દ બોલે છે ? એ કોણ વગોવે છે જનની જોગમાયા જનેતાને ? એ કોણ હાંસી ખેલે છે મોતની સેજ-તળાઈમાં, બાપ ?”

વૃદ્ધ જોમાબાઈ એ બોલનારની પાસે ગયાં. પૂછ્યું : “તમે ગોપાળ બારોટ છો ?”

“હા, મા ! તમે કોણ છો ?”

“ગઢવા !” જોમબાઈએ કહ્યું : “હું જ એ હતભાગણી છું, જેના બાળને એ ગાળ દેતાં નવાનગરને ધણીએ મલકને શીખવ્યું છે. ગઢવા ! જરાક જમણે પડખે જુઓ, ત્યાં પડ્યો છે એ જોરારનો.”

“આ અંબાડીએ જાતો અહરાણને હણનાર એ કોણ છે, મા ?”

“મારો નાગડો. તમારા વજીરનો પુતર.”

“આંહીં ? વજીરનો બેટો નાગડો ? શું બોલો છો, મા ?”

"ગોપાળ બારોટ ! મારો જ એ નાગડો. કુંવરનો એ અંગરક્ષક દફેદાર. જોગીની જમાતે જાળવ્યો, તે જામની ગાળનો જવાબ આજ અઢાર વરસે દેવા માટે, મેં તો નથી ઓળખાવ્યો, પણ તમે જઈને કે’જો જગતને, કે જનેતાએ જાતેજાતે બીજું કાંઈ ઈનામ નથી માગ્યું, ગાળભેળ નથી દીધી, કડવો વિચાર પણ નથી કર્યો. માગી છે એક જ નાની મહેરબાની, કે આ જોરારનાને જગત જાણે ને કોઈની પણ જનેતાને ગાળ દેતાં પહેલાં વિચારે.”

“ખમા, મારી મા ! ખમા જોગમાયા !” ગોપાળ બારોટ બળ કરીને બેઠા થયા. “ખમા જનેતાને. નજરે જોયું છે આ પરદેશી દફેદારનું ધીંગાણું. કહીશ જગતને કે જનેતાના દૂધ અલેખે કદી જતાં નથી. કહીશ ખલકને કે જનેતાની હીણજો મા, નીકર જાતે દા’ડે વસમાં જવાબ જડશે. ને મા ! તારા નાગડાની કીર્તિ તો મુંગલાય ગાશે.”

“મુંગલાએ એના મૂએલા મોંમાં ધૂળ નાખી, બારોટજી !”