પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરાપુરાનો સાથ
225
 

 “વાહવા ! રૂડી મત સૂઝી મુંગલાને. ધરતી તારા નાગડાને ભળાવી મુંગલાએ.”

તે વખતે નજીકથી એક ઘેરો સ્વર ઊઠ્યો : “હેં , ધૂડ નાખી ! મોંમાં ધૂડ ! કોણ છે એ ? કોણ બોકાસાં નાખે છે ? કોનાં મોંમાં ધૂડ નાખી ?”

નિશાનના ઘોષ સમા એ માનવ-ગળાના અવાજને ઓળખીને જોમાબાઈ મુરદાંના ઢગ વચ્ચેથી એ બોલનારને ગોતવા માંડ્યાં. જડ્યો – ઓળખ્યો. ઘડી-બે ઘડીના મહેમાન પોતાના પતિ વજીર હતા.

પાસે બેસી જઈ પાણી ટોયું, માથે હાથ મૂક્યો, મરતા માણસે પૂછ્યું : “તમે કોણ છો ? હું આંખો વગરનો, ભાળી શકતો નથી. કોણ છો દયાળુ ? કોણ છો તમે ?”

“બીજું કોણ હોય ?” વૃદ્ધાએ ડૂસકાં ખાતેખાતે કહ્યું.

“હાં, હાં, ઓળખ્યાં – માફી દેજો, હોં ! નાગડો નિરાંતે પોઢ્યો છે ને ? અને કુંવર ક્યાં છે ? કુંવરને ભાળ્યા ?”

એ ટાણે એક ઘોડો ગોપાળ બારોટની ડંકતી કાયાની પાસે આવી ઊભો રહ્યો. બારોટે જોઈને કહ્યું : “દેવમુનિ ! મને તેડવા આવ્યા ? જગતમાં જીવતો જઈને હું જનની જોગમાયાની ગાળ ઉતારું તે માટે આવ્યા ? પણ બાપ ! હું તો જખમે વેતરાયેલ પડ્યો છું. ઊઠીને ચડવાની તો તાકાત નથી.” બેસી જઈને ઘોડો જાણે સમજ્યો હોય તેમ તેણે ગઢવીને પડખું દીધું. “રંગ દેવમુનિ !” કહીને બારોટ શરીરને કડે કરી ઘોડે પલાણ્યા. ઘોડો રણક્ષેત્રમાં જઈ મુરદે મુરદે જઈ ઠેરતો ગયો. છેલ્લે વજીર પાસે આવ્યો.

“ગોપાળ બારટ !” પડેલા વૃદ્ધ વજીર અવાજ પિછાનીને પૂછે છે : “તમે ક્યાંથી ? જીવતા છો ? કુંવર ક્યાં ?”

“હું રણથળમાં ઘૂમું છું. સૌને ગોતું છું. વજીર બાપા, કુંવર અજોજી તો ઘામાં ચકચૂર છે.”

“ઠીક તયેં, એક કામ કરોને – મને એના અંગની પિછોડી લાવીને ઓઢાડોને ! તો મારી ઝટ સદ્‌ગતિ થાય. ને ગોપાળ બારટ, પેટની બીજી