પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચલો, કિસ્મત !
231
 

 ગામ ઉજ્જડ કરીને તમારી વાંસોવાંસ હાલીએ છીએ ને !"

મુઝફ્ફર – પોતે પોતાના જ પ્રેત જેવો, આગલી કાયાની છાયા સરીખો મુઝફ્ફર – મનમાં ને મનમાં બોલ્યો: ‘ઓહો, ઇજ્જત સૌને વહાલી, ઇજ્જત રોળાઈ ગઈ એક ફક્ત મારી જ ને ! ચલો કિસ્મત ! બાકી જેટલું હોય તારા તક્તા પર, તે પણ જોઈ લઉં.'

મુઝફ્ફરને અને એની ચીંથરેહાલ ઓરતને લઈને ખડકો વચ્ચેથી મારગ કાઢતું કાઢતું વહાણ ધીરેધીરે ચાલ્યું. ઓટનાં પાણી કિનારાને નગ્ન કરતાં હતાં. નોરા, ચાનક ને બૈડા જેવા કેટલાય બેટડાની ધારદાર દાંતીમાં 'હે અલ્લા !' પુકારતા વાઘેરો વહાણને ઘસડી જતા હતા.

સંગ્રામ વાઘેર હર ઘડી ને હર પળ, કિનારે ઊભો ઊભો જાણે કે મનના ડેલા દેતો વહાણના દાંતી બહાર નીકળવાની વાટ જોતો હતો. બેટના નાથને પ્રાર્થના ગુજારતો હતોઃ “હે રણછોડ ! સતાજીની ને લોમાની જેમ મને પણ ખોટ ખાવા દેશો નહિ, દેવ !”

વહાણ ખડકોમાંથી પાર થયું, ભરપૂર જળના હૈયા માથે ઊંચું ચડ્યું, એના સઢ છૂટા મેલાયા, એ વેગે ચડ્યું, એ વખતે પછી સંગ્રામ વાઘેરે પોતાના કુટુંબકબીલાનાં પચાસ નાનાંમોટાં જણથી ભરેલા બીજા વહાણને તૈયાર રાખવાનો હુકમ કર્યો ને પોતે કહે કે હું બેટમાં છેલ્લો આંટો દઈ આવું; કોઈ બાકી તો નથી રહી જતું ને?

એ આંટો દેવામાં સંગ્રામની ગણતરી એવી હતી કે ભૂચર મોરીમાં નવાનગરની ફોજને રોળી નાખી જૂનાગઢ ગયેલી અને પછી મુઝફ્ફરની શોધમાં જૂનાગઢથી ઊપડેલી પાદશાહી ફોજને હજી આંહીં પહોંચતાં સાંજ પડશે, ત્યાં તો એકાદ બેટડામાં ચાહે ત્યાં આશરો લઈ લેશું. એમ વિચારી પોતે કાંઠેથી પીઠ ફેરવે છે, ત્યાં એણે ફોજને સામી, છેક છાતી. પર આવી ઊભેલી દેખી.

એણે ફોજને નીરખવી પડતી મૂકી. કચ્છના અખાતની છાતી પર ઝીણી નજર નોંધી. આનંદમાં બોલી ઊઠ્યો: “ઓ જાય ઝપાટાભેર ! ઓ. ઊડે મારું દરિયાઈ દેવગરુડ !” મુઝફ્ફરવાળા વહાણના ફૂલેલા સઢો