પૃષ્ઠ:Samarangan.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠનો કોલ
41
 



8
સોરઠનો કોલ

મ્મા મારી ! ઓ અમ્મા ! તું યે શું મારી માફક ચીસો પાડતી હતી ? બરાબર શું આવી જ પુકારો ને આવી જ વેદનાઓ, હેં અમ્મા ?”

"ખમ્મા ! ખમ્મા ! ખમ્મા !” કિલ્લાના ઘુમ્મટમાંથી નહનૂ મુઝફ્ફરના એ બોલની સામે માતૃ-હૃદયનો જાણે પડઘો પડ્યો.

પોતાનાં અંગો પર ચાબુકોના ફટકા પડ્યાને ચારેક વર્ષો વહ્યાં હતાં, છતાં નહનૂની યાદદાસ્તમાંથી એ રાતની વાત નહોતી ભૂંસાતી. “નાદાન, હવે કેવો સીધો થઈ ગયો છે !” અમીર ઇતમાદ એની પીઠ થાબડતો થાબડતો શાબાશી આપતો હતો. ગુજરાતની પ્રજાની ઝૂકીઝૂકીને સલામો શી રીતે લેવી તે અમીરે બાળ સુલતાનને શીખવ્યું હતું. હસતું મોં રાખવાની તાલીમ નહનૂએ અમીર આગળથી પૂરેપૂરી મેળવી લીધી હતી. તે પહેલાં અને બીજા ઘણા તમાચા અને ડારા ખમવા પડેલા. જાહેરમાં સુલતાનના દીદાર થતા ત્યારે ખાંસાહેબ સાથે જ રહેતા. ખાનગીમાં મુલાકાતો ગોઠવાતી ત્યારે પણ ખાંસાહેબની હાજરી રહેતી. ‘મારો બાળો સુલતાન’ એ શબ્દો ખાંસાહેબના ગળગળા કંઠે જ્યારે બોલાતા ત્યારે સાંભળનારાઓ ખાંસાહેબની વફાદારી પર આફરીન પુકારતા. ઇતમાદખાન જે કાંઈ કરતા, ખાતા, પીતા, શ્વાસોચ્છ્‌વાસ લેતા, તે બધું જ બાળા સુલતાનને ખાતર હતું. ‘એ ઉમ્મરલાયક થઈ જાયને, તો શુકર ખુદાના. હું તો એના હાથમાં ગુજરાતની લગામ સોંપીને એક તસ્બી લઈ મારા મુકામ પર બેસી જઈશ. મને ધાસ્તી તો લાગે છે દિલ્હીના પ્રબલ બનતા જતા મુગલશાહ અકબરની. માટે જ હું મારા બાળા સુલતાનની પહેરેગીરી કરતો ખડો છું.’ ઇતમાદના આવા ઉદ્‌ગારો સંભળાતા. શ્યામ અને સફેદ વાળોના મિશ્રણથી કાબરી બનેલી દાઢીના કેશ પસવારતો એ સુલતાન-રક્ષક ચાર વર્ષોમાં તો બીજા તમામ અમીરોને અળગા કરી નાખી, બાળ સુલતાનનો સંપૂર્ણ કબજો કરી ચૂક્યો.