પૃષ્ઠ:Samarangan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોહાગની રાત
81
 

 કહ્યું કે મારી આ સ્ત્રીના તમે એક હજાર દોષ કાઢશો તો હું એક હજાર ને એક દોષ કાઢવા તૈયાર છું પણ એના જેવાં મારાં લૂગડાં બીજા કયા હાથ ધોઈ શકવાના છે ? મેલ કાઢવાની એ કળા બીજી કઈ હથેળિયુંમાં છે ? માટે, બાપુ, માફ કરો, ફરીથી મારી આગળ આવી વાત કાઢજો મા ! આમ વજીર બાપુને ફરી પરણતા રોકવા જ તમે એનાં લૂગડાં ધુઓ છો એમ વાતું થાય છે.”

ખણણ : ખણણ : ખણણ : બે મોટાં બલોયાંના ખણખણાટ : ચોળ : ચોળ : ચોળ : ચોળાતાં કપડાંના સ્વરો : ને માછલાંની રમતિયાળ ડૂબકીઓ : ‘ડબાક’ સ્વરે કલકલિયા પક્ષીના ઊંધે માથે નાગમતી નદીમાં શિકાર-કોશિયા : અને આઘેઆઘેથી ‘શિયોરામ ! શિયોરામ ! શિયોરામ !’ ધોબીના ધોણ્ય-પછાડાને મૃદંગે તાલ રાખતાં એ રામસ્તોત્રો.

“ગામને પણ પારકી વાતું કરવાની ટેવ, ઠેઠ રામસીતાના કાળથી હાલી આવે છે.” વૃદ્ધાએ સફેદ ભવાંને સંકોડી કટકા કર્યા. “તમે આ બધી વાતો લાવો છો ક્યાંથી ?”

“પાનબીડીવાળાની હાટડીએથી, ઘાંચીની ઘાણીએથી, સંઘેડિયાની કોડ્યેથી, રંગાટીની ભઠ્ઠીએથી...”

“લે રાખ હવે રાખ, બોલકણી કાબર !”

“આજ શી વાત ફૂટી છે, જાણો છો, મા ?”

“નથી જાણવું મારે.”

“જાણવા જેવું છે.”

“ઠીક જે હોય તે ઝટ કાઢી નાખ, માવડી ! તું બહાર નૈ કાઢ ત્યાં સુધી તારા પેટમાં વાતું અળશિયાંની જેમ સળવળ સળવળ થયા જ કરશે.”

“વાત થાય છે કે ડેલાની તુરંગમાં જામબાપુએ ત્રણ સરાણિયાંને કેદ પુરાવ્યાં છે. કોઈ કરતાં કોઈ વાતે કાઢતા જ નથી. માંઈ ને માંઈ મારી નાખશે કે કોણ જાણે શી કઠણાઈ કરશે.”

“કોણ–કોણ–કોણ ? સરાણિયા ? ત્રણ જણાં ? ઇ તો કુંવરનાં મેમાન