પૃષ્ઠ:Samarangan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
80
સમરાંગણ
 


ચોળ ! એવો પુરુષ-કપડાંનો ચોળાવાનો અવાજ થતો હતો.

જામનગરમાં આવ્યાં ત્યારથી જોમબાઈએ દર મહિનાની બે આઠમે, પૂનમે ને અમાસે ધણીનાં કપડાંની ધોણ્ય લઈને જાતે ધોવા આવવાનો આ શોખ રાખ્યો હતો, તે પછીની આ આદત બની, ને આજનું તો વ્રત થઈ પડેલું છે. એને ખબર છે કે પતિનાં મેલાં વસ્ત્રોનો હવે વધુ મોટો ઢગલો થતો હતો, ને પોતાની તાકાતનાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં. વીસ વર્ષ પહેલાં તો વાટકી જેવડા નવાનગરની વજીરાત કરતાં આજના, દસેય દિશાઓની પર-સીમોને ગળતા જતા અજગરરૂપ નવાનગરની વજીરાત વધુ માતબર બની હતી, નોકરચાકરો અને સાધનસગવડોની ન્યૂનતા નહોતી. છતાં વજીર-પત્નીનું એ વ્રત કોઈથી ન છોડાવી શકાયું. પતિ પાસે પોતે એક જ વાર જતાં : એમને રોજ નવી જોડ કપડાં પહેરાવવા માટે. પતિને ધારીધારીને એ એક જ વાર નીરખતાં : વસ્ત્રોની નવી જોડ ચડાવીને એ શરીર હાથમાં ભાલો લેતું ત્યારે. સત્તર વર્ષોના અબોલાની ખાઈ ઉપર અંતરને અવરજવર કરવાના નાનાનાના સેતુઓ સમા આ પ્રસંગો હતા.

ઉપરાંત આખી વસ્તીને અચંબો પમાડનારું આ વ્રત વજીર-પત્નીને વધુ વહાલું હતું કેમ કે નદીનાં માછલાં સાથે આટલાં વર્ષોનો સ્નેહ બંધાઈ ગયો હતો.

“લોકુંમાં તો તમારી આ રઢ પણ સ્વારથમાં જ ખપી ગઈ છે.”

“તે હું પરમારથ કરું છું એમ ક્યાં લોકુંને કહેવા જાઉં છું ?”

“એમ નહિ.”

“ત્યારે ?”

“બોલાય છે, કે જામ બાપુએ તો ઘણું ઘણું સમજાવ્યા, કે વજીર, ફરી પરણો, વજીર, તમને ફરીથી સારું ઠેકાણું જોઈને સુખી કરીએ : પણ મારા વજીર બાપુએ એક જ જવાબ દઈને જામને સમજાવી લીધા’તા, કે બધું જ બીજું મારાથી છૂટી શકે, નહિ છૂટી શકે આ વજીરાણીના હાથનાં ધોયેલાં લૂગડાં પેરવાનું બંધાણ. જામ બાપુને વજીર બાપુએ