પૃષ્ઠ:Samarangan.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 વાર જોઈ લીધું. કોણ જાણે કેમ પણ માતાની સન્મુખ બળતો છૂટો દીવો એને માતાના નાક પર મંડાયેલી તર્જની જેવો લાગ્યો. એ તર્જની બતાવીને દેવી શું કહેતાં હતાં ? ‘કહીશ મા ! કહીશ મા ! કહીશ મા !’

પોતે ઘેર ગઈ ત્યારે પતિ અને કુંવર બેઉ જણ એક જુદી જ મેડી પર અણજાણ રહીને બેઠા હતા એ જાણ્યું. પોતે જલદી જલદી છોકરી સાથે કહેવરાવ્યું : “વજીરાણીમાએ વારણાં કેવરાવ્યાં છે. કુંવરબાપુને જરીક જોવાની ઉમેદ થઈ આવી છે.”

“આંહીંથી જતોજતો વજીરાણીમાની આશિષો લેતો જઈશ.” કુંવરે કહેવરાવી દીધું.

ત્યાર પછી જોમબાઈનો વિચાર-ધોધ ઊતરતો ગયો ને પાણી આછરવા લાગ્યું. આછરેલી બુદ્ધિમાં એણે પોતાના મનસૂબાને મૂકી જોયો : પોતે કુંવરને શું કહેવાની હતી ? એ સપડાયેલી સરાણિયણ કન્યા તારી બહેન છે એમ કહીશ ? એમ કહેવાથી કુંવરનું શું ભલું થશે ? એ જઈને હમણાં ને હમણાં બાપને કહેશે. બાપ-બેટાની વચ્ચે કજિયો સળગશે. કજિયાનું મૂળ હું બનીશ. મારા ઉપર ઇતરાજી તો ચાલી જ આવે છે. એમાંથી મોટો હોળો જાગશે. કુંવરનું કાળજું રાજપાટમાંથી, સંસારમાંથી, વાતવાતમાંથી ખડી જશે. આખા રાજકુળને આવી ઉઘાડી બદનામીમાં ઉતારીને અને કુંવર અજાનું ચિત્ત એક મરી ચૂકેલ ને કાં મરવાની તૈયારીમાં પડેલ કન્યાને ખાતર ચકડોળે ચડાવીને તું શું કમાઈશ, બુઢ્‌ઢી ?

રહેવા દે. નથી કહેવું. એ જૂની સમાધ નથી ઉખેળવી. એનાં શબો એમાં જ સૂતાં રહો.

અજો જામ મળવા આવ્યા.

“કાંઈ કામ નો’તું, માડી, સાજાનરવા છો એટલું જ નજરે જોવું’તું. ખમા આપને, પધારો હવે.” કહેતી વૃદ્ધા ઊભી રહી.

“તમારે જે કહેવાનું છે તે તો હું વગરકહ્યે જ જાણતો બેઠો છું, વજીરાણીમા !” અજાજીની કલ્પના જુદી જ વાતે વિચરતી થઈ. “હું કોઈને જાણ ન થાય તેવી રીતે મસીદોના ને ફકીરોની જમાતોના વાવડ મેળવતો