પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ


બેઉસખી— (દુષ્યંત તથા શકુંતલાની ચેષ્ટા જોઈ) સખી શકુંતલા ! જો અહીં આજ તાત હોત તો ?

શકું૦— તો શું થાત ?

સખીઓ— તેણે સગળો જીવનગાળો આપી આ અતિથિનો સત્કાર કર્યો હોત.

શકું૦— ચાલો તમે તો હૈયામાં કંઈ કંઈ યોજીને બોલોછો, તમારું ભાષણ હું સાંભળતીજ નથી.

પ્રિયં૦— (કંઈક હસતી, શકુંતલાને જોઈ દુષ્યંત ભણી મોડું રાખી) વળી કંઈ કહેવાને ઇચ્છોછો એવું દીસે છે આર્ય !

રાજા— હા, ભગવાન કણ્વ તો નિત્ય બ્રહ્મવિચાર કરેછે ને આ તમારી સખી તેની કન્યા એ કેમ ?

અન૦— આર્ય ! સાંભળવું. ઋષિ વિશ્વામિત્ર ને અપ્સરા મેનકા એ બેથી એની ઉત્પત્તિ છે; (શકુંતલા લજ્જિત થાયછે) , પણ પછી એ તજેલીનું તાત કણ્વે પાલણપોષણ કીધું માટે એ તેના પિતા છે.

રાજા— ઠીક ; તમારી સખી વિષે બીજુ પુછવાનું આ છે કે–

વિવાહ એનો કીધો નથી તો. જીવતાં લગી વ્રત ધરશે શું ?
ઇચ્છાને અટકાવ કરંતૂં, તાપસકર્મ આચરશે શું ?
પોતાના જેવી અાંખોવાળી, હરણીની સંગત કરશે શું ?
એને માટે સંશય મુજને, ચિત્તમાં એમ એ ઠરશે શું ? ૨૦

પ્રિયંo— આર્ય ! ધર્માચરણ રાખવાવિષે પણ એ પરવશ છે, ગુરૂનો સંક૯પ વળી યોગ્ય વરને આપવી એવો છે.

રાજા—(સ્વગત) દુઃખે પ્રાપ્ત થાય તેવી નથી–

થા તું હ્રદય અભિલાષી, હવે સમુળો ટલ્યોજ સંદેહ;
શકતું અગ્ની જેને, રત્ન ખરે સ્પર્શજોગું તે એહ. ૨૧

શકું૦— અનસૂયા ! હું જાઉંછું.

અનુ૦— કેમ વારૂ ?

શકું૦— આ પ્રિયંવદા અસંગત બોલ્યાં કરેછે તે હું જઇ માજી ગૌતમીને કહુંછું.

અનુ૦— આ મહત અતિથિને પૂરો સત્કાર કરવો છોડી દેઈ સ્વછંદે જવું એ તને યોગ્ય નથી.

શકું૦ — (ઉત્તર ન દેતાં ચાલવા માંડેછે.)

પ્રિયં૦—(અટકાવીને) સખી! તારે જવું ઘટતું નથી.