પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬

જોઈ ર્‌હે છે, કોઈ કાન માંડે છે, કોઈ શુન્ય મનવાળા બની આરામ ભોગવે છે, કોઈ નવાજુની પુછે છે, કોઈ ગપાટા મારે છે, કોઈ ખરા સમાચાર કહે છે, કોઈ કોઈના કાનમાં આજનું ભવિષ્ય વર્તે છે, કોઈ બનનાર બનાવ પર પોતાના ભાગ્યનો આધાર વિચારે છે, કોઈ ઉત્સાહમાં છે, કોઈ ચિંતામાં છે, કોઈ નિરાશ છે, કોઈ પોતાની વૃત્તિ સંતાડે છે, કોઈ પારકાની વૃત્તિ જાણી લેવા પ્રયત્ન કરે છે, કોઈ શત્રુતા સંતાડી જીભ ઉપર મિત્રતાના ઉભારો આણે છે, કોઈક તે સમજે છે, કોઈક તેથી ભોળવાય છે, કોઈક સામા સાથે સામા જેવા બને છે, કોઈક સ્પષ્ટવક્તા થઈ હાસ્ય પામે છે, કોઈક વેરની અાંટી વાળે છે, અને અનેક આદર્શોમાં, કાચના ગોળામાં, બીલોરમાં, ચળકતા પીત્તળમાં, અને એમ જ અનેક સાંભળનાર, જોનાર, અને વિચારનારના કાનમાં, કીકીમાં, મનમાં અને બોલમાં સર્વનાં પ્રતિબિમ્બ ઓછાંવત્તાં, ન્હાનાંમ્હોટાં, ઝાંખાં અથવા સ્પષ્ટ, જુદે જુદે રૂપેરંગે, અને જુદી જુદી સ્થિરતાથી પડે છે. તે સર્વને આભાસ બુદ્ધિધનની અાંગળીયે વળગી ફરનાર અને તેથી સર્વેની દૃષ્ટિ ખેંચનાર નવા નવીનચંદ્રના અંતઃકરણમાં સ્કુરવા લાગ્યો – ચમકારા કરવા લાગ્યો. વીલાયતી માલનું મહાપ્રદર્શન જોતો હોય, બોલતાં ચાલતાં પુતળાં જોતો હોય, અજાણી ભાષા બોલનાર લોકના બજારમાં ફરતો હોય, સંસારજાળના સમૂહ વચ્ચે સંન્યાસ લેઈ ઉભો હોય, –તેમ આ સર્વ મંડળ વચ્ચે ઉભેલો તથાપિ પોતાને એકલો ધારતો નવીનચંદ્ર, આ સર્વ ઇંદ્રજાળ ઉપર ધીર દ્રષ્ટિ નાંખતો, સૌતુક ધરતો અને અવલોકન કર્મ કરતો, કંઈ કંઈ વિષયનાં મનમાં પૃથક્કરણ કરવા લાગ્યો – અને ઘડી એ ક્રિયામાંથી વિરામ લેતાં સૂર્યકિરણના પૃથક્કરણનું રસાધનભૂત થતા વિચિત્ર રમણીય રંગોથી ભરાતા માથા ઉપરના બીલોર સાથે પોતાને સરખાવવા લાગ્યો અને મનમાં હસ્યો.

આ અંતઃક્રિયા થતી હતી એટલામાં ઉનના ગલીચા ઉપર પ્રજાવર્ગના લોક આવી ભરાઈ ગયા અને ગરબડાટ મચાવતા ધક્કામુકકી કરતા બેસવા લાગ્યા; કેટલાક તો ગામડીયા વર્ગ પેઠે ચારેપાસ જેવા લાગ્યા, કેટલાક ભારેખમ થઈ અાઘા ઉભા રહ્યા, કેટલાક રાજદરબારમાં હક ધરાવતા હોય તેમ સઉથી અાગળ અાવી ઉભા, કેટલાક અમલદારોને સલામ કરવા લાગ્યા, કેટલાક પોતાની વગના અમલદારો ભણી અાંગળી કરી પોતાના સ્નેહીયોને અાનંદભેર બતાવવા લાગ્યા, અમલદારો પોતાની સલામ ઝીલે એટલે પોતાનું મહત્વ વધ્યું માની કેટલાક મનમાં ફુલવા લાગ્યા, અને રાજસત્તાએ જેને નમસ્કાર કરવા જોઈએ – જેને પૂજનીય ગણવી જોઈએ એવી - રાજા અને કારભારીયોની કામધેનુ – પ્રજા શ્રુદ્ર અધિકાર આગળ પોતાનું ગૌરવ ભુલી જઈ દીનતા ધરતી ઉત્સાહ માનવા લાગી. તેમના ઉત્સાહ ઉપર નવીનચંદ્રની આંખ