પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫

ઘણા અમલદારોનું આ પ્રમાણે વખાણ થયું. તર્કપ્રસાદ બધું સાંભળ્યાં કરતો હતો. તેને અચિંત્યુ રામભાઉ સાથે જવાનું ઠર્યું એટલે મૌન તજી દઈ ઉઠતાં ઉઠતાં બે વાતો કરનારને ખભે હાથ દઈ બોલ્યો.

“આ મ્હારું વર્ણન ટુંકામાં સાંભળો. ફોજદારી કાયદાની જેને સમજણ ન પડતી હોય તેને મ્હારી પાસે આણજો. આ બધા જે ભારેખમ, ઠાવકા, લાલચોળ પાઘડીઓ પ્હેરી બેઠા છે અને ઇંદ્રસભાના દેવો જેવા દેખાવમાં છે તે બધાનાં કૃત્યનો ઈતિહાસ જાણ્યો હોય તો દ્રવ્યના દંડની શિક્ષાથી તે દેહાંત દંડની શિક્ષાયોગ્ય જે જે અપરાધો છે તેમનાં ઉદાહરણો આ સાહેબોનાં કૃત્યોમાંથી મળે એવાં છે ! લાંચખાઉ, ચોર, વ્યભિચારી, વિશ્વાસઘાતી, ખુની અને એવા એવા યોગ્યતાવાળા આ ગૃહસ્થો સારાં કપડાંમાં ઢંકાઈ અધિકારે ચ્હડયા છે અને નિર્દોષ અને પવિત્ર પ્રજાનું રક્ષણ-ભક્ષણ કરનારા એ લોક જગતની આંખમાં ધુળ નાંખે છે. દુષ્ટ મુત્સદ્દીપણાથી સાહેબોને ઠગી અધિકાર જાળવી રાખે છે, અને દ્રવ્યની સત્તાથી સર્વ ઈચ્છાઓમાં ફાવી જાય છે. થોડું બો૯યે ઘણું કરી માનજો.” એમ કહી મરોડમાં હસતો હસતો તર્કપ્રસાદ રામભાઉ સાથે ચાલ્યો ગયો એટલે નવીનચંદ્રનું ધ્યાન ગાનારી ભણી ગયું. 'પાસે બેસનાર માણસ છે' એવું સમજનાર અચિંત્યો એમ જાણે કે 'આ તે માણસ નથી, ભૂત છે.' એટલે તેનું અંતઃકરણ જેવું બની જાય તેવું જ નવીનચંદ્રનું અંતઃકરણ આ સર્વ વર્ણન સાંભળી થયું. નાયકાએ હજી સુધી ઘડીક શાંત વૃત્તિથી, ઘડીક તાળીઓ પાડી, ઘડીક હાવભાવ કરી, ઘડીક મ્હોં પ્હોળું ગુફા જેવું કરી, ઘડીક મ્હોં બગાડી, ઘડીક આખોને ઢાળી, ઘડીક કીકીયો ચંચળ કરી, ઘડીક ડોળા વિકસાવી, ઘડીક ઉંચા ચ્હડાવી, ઘડીક પાંપણોની કલ્લી કરી, ઉંચી કરી, અને ઘડીક ભમ્મર ચ્હડાવી, ઉંચેનીચે રાગે ગાઈ રહી હતી અને સભામંડળ ચિત્ર પેઠે તલ્લીન થઈ ગયું હતું. આ સર્વ નવીનચંદ્ર-જોઈ રહ્યો, માસ્તર અને ન્યાયાધીશે ભરેલા વિચારોના ઉભરા ઉપરાઉપરી આવતા તેથી અામતેમ નજર ફેરવી અહુણાં અાના ને અહુણાં આના મ્હોંડા સામું જોતો ગયો, અને આખરે બુદ્ધિધન ભણી જોઈ દયા આણવા લાગ્યો. 'અરેબ્યન નાઈટ્સ'ની વાતો પ્રત્યક્ષ કરતો હોય, રમતીયાળ અલાદિન જેવો – તેની પેઠે પોતે રાક્ષસોના મ્હેલમાં આવી ઉભો હોય – તેમ કલ્પના કરવા લાગ્યો.

એટલામાં આઘેની બારીમાં નજર પડતાં નાયકાઓ ગાતી બંધ પડી અને ઠસ્સાદાર કલાવતી આવી અને નૃત્ય આરંભ્યું. તેણે હવે પોતાની કલ્પના પ્રમાણે વૃન્દાવનની ગોપીનો વેશ લીધો હતો. મ્હોટા ઉડતા ઘેરવાળો ભુરા