પતિ વાસ્તે મનમાં રજ પણ માન ન હતું, અને આખા જગત્ને તૃણવત્ ગણતી તેમ એને પણ ગણતી. માતાપિતા શીવાય બીજા કોઈને એ માન આપતી ન હતી અને મામાં પણ અક્કલ ઝાઝી છે એવું માનતી ન હતી. સહીયરો ઉપર અમલ ચલાવતી હતી, પણ પતિ અથવા બીજો કોઈ મ્હારું સમોવડીયું છે એવું ધારતી ન હતી અને તેથી કોઈના ઉપર સમાનભાવને સ્નેહ રાખવો તે શું એ સમજતી ન હતી. હા, મમતાળુ હતી, પોતાનું કહ્યું તેને પોતાનું ગણતી, અને દયાળુ હતી. પણ આ માણસ બાંધછોડ કરવા લાયક છે, આની આગળ એકલા દ્રવ્યનું જ નહીં પણ રૂપનું, ગુણુનું, ડહાપણનું, બુદ્ધિનું, પદવીનું, કુલીનતાનું અને એવું સર્વ ગુમાન છોડી દઈ નરમ થવું ઘટે-સ્નેહ-મિત્રતા રાખવી ઘટે એમ મનમાં જરી પણ ન હતું. આ ગુણ એના બાપનામાં બીજે રૂપે હતો અને તે પુત્રને ઠેકાણે પુત્રીમાં ઉતર્યો હતો. એનામાં જે કાંઈ તોછડાઈ હતી તે આ જ ગુણને લીધે હતી, અને એ પતિવ્રતાપણું જાળવી શકતી અને તેમ કરતાં ડગતી નહી તેનું કારણ પણ એ જ ગુણ હતો - કારણ કોઈ પણ પુરુષના સામું જોતાં “અહં, એ કોણ- શા લેખામાં છે ? - હું કોણ ? એ કોણ ? શું હું કોઈને નમ્યું અાપું ? શું કોઈ મ્હારું સમોવડીયું થવા યોગ્ય છે ?” આ વિચારો જ તેના મગજમાં તરી આવતા. આજ સુધી તેનું ગુમાન ઉતર્યા વિનાનું રહ્યું હતું, તે બે જણાંએ ઉતાર્યું. એનો અણઢોળાયો સ્નેહ ભાભી ઉપર ઢોળાયો. કુમુદસુંદરીને જેઈ એને કાંઈક ઉમળકો જ આવતો - કાંઈક ઊર્મિ જ ઉઠી આવતી. એનું એક કારણ એ સુગંધાનું સ્હોજીલાપણું હતું અને બીજીનું કારણ એ હતું કે એને કિશોરીયે પોતે ઘરમાં આણી હતી. બસ, ભાભીને દીઠી એટલે નણંદ ઘેલી ઘેલી થઈ જતી અને ઘેલાં ક્હાડતી. સઉ આ જોઈ હસતાં અને એની મા પણ હસતી. તે એ જાણતી અને દેખતી પણ ગાંઠે નહી. કોઈક વખત તો માને પણ ધમકાવે કે “બસ, અમારાં ભાભીને અમે ગમે તે કરીશું તેમાં ત્હારું શું ગયું ? “તું ત્હારું કામ કર.” કુમુદસુંદરીના રૂપ આગળ પોતાનું રૂપ ભુલી જતી અને એ ચોપડી માંથી વાતો વાંચે અને સમજાવે ત્યારે ગરીબ ગાય થઈ જતી. વળી આટલું બધું ગુમાન ઉતરેલું પણ તેની પોતાનેયે ખબર ન હતી. કારણ ઘરમાં ભાભી નણંદનું જ ચાલવા દેતી; લોકમાં એને જ મ્હોટે પાટલે બેસાડતી અને એનું જ કહ્યું કરતી: એટલે નણંદનું અભિમાન સંતોષ પામતું અને ભાભી વ્હાલી જ રહેતી. પણ કોઈ ઝીણી નજરે જુવે તો થતું એ કે ભાભી નણંદના ઉપર રાજય ચલાવતી અને નણંદ ભાભીના જ કહ્યામાં ર્હેતી, એમાં કારીગરી ભાભીની હતી. કારણ ભાભીનું ચાલે છે એવું એ નણંદને સમજવા જ
પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૦
Appearance