કરી બેસાડી નણંદ ભાભીના મનમાં સ્વાભાવિક ગુંચવારો ઉત્પન્ન કરતી તે એ કળી જતો; પરંતુ જાતે માંદો હોવાથી અને અલકકિશોરીના તુન્દા સ્વભાવ અાગળ, કાંઈ વળશે નહી એવું ભાન હોવાથી તે નિરુપાય હતો.
હળવે હળવે સ્ત્રીવર્ગમાં અલકકિશોરીની વાતો ચાલવા માંડી અને અમાત્યની ચ્હડતી ખમી ન શકનાર વર્ગ પ્રમાણમાં ઝાઝો હોવાથી એ વાત અતિશયોક્તિ થઈ અને મ્હોટા ઘરની નિન્દામાં સર્વને રસ પડવા માંડ્યો. વનલીલાને હીંડેથી એ વાત કુમુદસુંદરીને પણ કાને આવી, પણ એણે તે ધિક્કારી ક્હાડી. વિદુરપ્રસાદે પણ એ વાત સાંભળી અને ઘડીક માની અને અલકકિશોરીને ઠપકો દેવાની ય બ્હીતે બ્હીતે હીમ્મત ધરી.અલકકિશેરીયે એને એવો તો ધમકાવ્યો કે એ ડબાઈ ગયો. પણ ડાબાઈ ગયાથી મનની ખાતરી ન થઈ. આખરે એક દિવસ ગરબડદાસ એને ઘેર જમવા આવ્યો હતો અને નવણના ચોકામાં અંધારાનો લાભ લેઈ રાંધવા નાહેલી કિશોરીની કાંઈ મશ્કેરી કરી કે ઉત્તરમાં એ ઉન્મત્તાએ એના મ્હોં ઉપર ઉકળતી દાળ ભરી કડછી ઝાપટી અને ઘરમાંથી એ લુચ્ચાનો પગ ટળાવ્યો. આ દિવસથી એ નીચ પુરુષ પરસ્ત્રીની મશ્કેરી કરવી ભુલી ગયો, અને વિદુરપ્રસાદના મનમાં અલકકિશોરીની શુદ્ધતાની ખાતરી થઈ.
કિશોરીની સ્વતંત્રતા આમ સર્વ સ્થળે અપ્રતિહત અને જયવંત નીવડી. આ શુદ્ધતા અને સ્વતંત્રતાનું અભિમાન એને એટલું બધું હતું કે શિથિલ વર્તણુકવાળાંની સોબત કરવાથી તે ડરતી નહી, અને એમ જ ગણતી કે “અંહ, ભેંશનાં શીંગડાં ભેંશને ભારે છે – પારકું માણસ નઠારું તેમાં આપણને શું થનાર છે ?” આથી તેની સહીયરોમાં કેટલીક અશુદ્ધ સ્ત્રીયો પણ હતી અને તેવી સ્ત્રીયો વિશેષ વિલાસશીલ અને ઉઘાડી રસિકતાવાળી હોવાથી કિશોરીની વિશેષ પ્રીતિનું પાત્ર થઈ હતી; કારણ કે ક્ષુદ્ર લાગતા પતિ આગળ નિરુત્સાહી અને ઢંકાઈ ર્હેતી વિલાસવૃત્તિને શુદ્ધ અબળા, પોતાની ઈચ્છાને શરણ ર્હેતી અાવી સહીયરો અાગળ, ધમકભરી સાકાર કરતી, અને તે રીતિનો યોગ્ય અનુકમ્પ એવી સહીયરો જ કરી શકતી. કૃષ્ણકલિકા ઉપર અમાત્યપુત્રીના ચારે હાથ હતા અને તેનું કારણ આ જ હતું. આવી પ્રિય સયહીરોને છોડે એવું એને ક્હેવા કોઈની તાકાત ન હતી.
અધમ સંગતિ વંધ્યા ન રહી. અલકકિશોરીપાસે આવતી જતી કૃષ્ણકલિકાને નવીનચંદ્ર ગમી ગયો અને અર્થ સારવા એકલીની તાકાત ન હોવાથી અમાત્યપુત્રીને પોતાની સાધનભૂત જોડીયણ કરવા ધાર્યું. કુલીન