લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦


“રાંડ ખલકનંદાએ માતુ:શ્રીને જોઈ મ્હોં મરડ્યું અને લુચ્ચા દુષ્ટરાયે સંદેશો ક્‌હાવ્યો તે બધું સાંભળ્યું ?”

“સાંભળ્યું. આજ જ જાણશે તો કે આમ કરીયે તો આમ થાય !”

“દેવીની એટલી બાબત ઉપરથી આજ સુધી કેટલાં બધાં વરસ સુધી પિતાજીએ એ વાત મનમાં રાખી અને કેટલા કાળ સુધી ફીકર રાખી ત્યારે આજ આ વખત આવ્યો ?”

“ભાભી, એમને તો હદ છે હોં ! ચિંતા તે કેટલી ? પિતાજીનું શરીર એની એ ફીક૨થી વળતું નથી.”

"ક્‌હો, ત્યારે દેવી પિતાજીની બાબત રાતદિવસ વિચાર અને વાતો કર્યા કરે છે તે અણઘટતું છે?”

“નાસ્તો. અણઘટતું કેમ કહેવાય ?”

“ત્યારે સ્વામીની બાબત સ્ત્રી કેટલી ચિંતા કરે તો થયું ક્‌હેવાય ?”

“થયું કેમ ક્‌હેવાય ? આપણે સારું જેને આટલી ફીકર થાય તેને સારું આપણને જે થાય તે ઓછું.”

“હા, હવે બરોબર કહ્યું. ક્‌હો ત્યારે વિદુરપ્રસાદજીની બાબત રાત ને દિવસ તમે ચિંતા કરો કે વાતો કર્યા કરો તો તેમાં શું ખોટું ? વરઘેલાં હોય તે તો સારું, હોં. વરઘેલું ન હોય તે ઈશ્વરના ઘરનું અપરાધી.”

અલકકિરોરી શરમાઈ ગઈ. “ઈશ્વરના ઘરનું અપરાધી” એ શબ્દ બોલી કુમુદસુંદરી પોતે પણ મનમાં લેવાઈ ગઈ, પ્રમાદધનની છબી સામું જોઈ રહી; નિશ્વાસ મુકી મનમાં સરસ્વતીચંદ્રને છેલા નમસ્કાર કર્યા, હવે તેના વિચાર પોતે છોડી દીધા છે જાણી ઉંડે સંતોષ પામી, અને સામી છબીના સામું સ્નેહભરી ભીની આંખે જોઈ રહી.

“ભાભી, તમે ક્‌હો છો તે ખરું તો ખરું હોં. તમે મને પેલી ચોપડી આપી છે તે માંયે લલિતાએ કહ્યું છે કેઃ-

"રુડો ભુંડો ત્હો યે પ્રિય પતિ ગાણીને મન ઠરું–
“વિચારો આવા છે પણ મન ન માને કશું ખરું–
“અધીરી એવી કે તરત મળવાને મન કરું.”

“આ લીંટિયો તે બોલવામાં અદલબદલ થઈ છે. પણ વાત ખરી. “આવો નઠારો નંદનકુમાર તેને જોઈને લલિતાને ઉમળકો આવ્યો...”