“અને બધાંયે હતાં તે વચ્ચે વરના વિચાર કરવા બેઠી,” કુમુદસુંદરી
બોલી ઉઠી અને બોલતાં બોલતાં આવી સ્હેજ ભણેલી કલ્પિત લલિતાનો
દાખલો પોતાને પણ લેવા લાયક ગણ્યો.
"હા, બાઈ હા, ત્યારે અમે યે હવે વરઘેલાં થઈશું. પછી કંઈ? તમે વરઘેલાં, હું યે વરઘેલી, અને આખો સંસાર વરઘેલો ! વરઘેલાંનું ગામ વસશે.”
ગંભીર વાતો કરતાં કરતાં બે જણ કાંઈક હસ્યાં.
બુદ્ધિધનનો ઘરસંસાર આમ શુદ્ધ થતો હતો. અલકકિશોરી કોઈનું કહ્યું માનતી ન હતી તે ભાભીની આવી આવી વાતોથી સુધરતી હતી, અને વિદુરપ્રસાદનાં ભાગ્ય ભળતાં હતાં. એટલામાં વનલીલા અાવી. નણંદભોજાઈને એકલાં વાતો કરતાં - વિશ્રમ્ભની કથા કરતાં – જોઈ વનલીલા જરીક ખમચી પણ પછી તરત અંદર પેંઠી.
“આવ, વનલીલા, કેમ અટકી ?” અલકકિશોરી એના ભણી જોઈ બોલી. “અત્યારે કયાંથી ?"
“હું તો ગામગપાટા ક્હેવા આવી છું. રૂપાળી દુષ્ટરાયને મારી નાશી ગઈ અને ખલકનંદા કંઈક સંતાઈ ગઈ છે તે જડતી નથી.”
“હેં !” અલકકિશોરી વિસ્મય પામતી ઉઠી અને વનલીલાને ખભે હાથ મુકી ઉભી. કુમુદસુંદરી ઉઠી નહી પણ બેજણ ભણી જિજ્ઞાસાથી જોઈ ૨હી. જાણ્યામાં આવેલા સમાચાર વનલીલાએ હાંફતાં હાંફતાં કહી બતાવ્યા.
એટલામાં કૃષ્ણકલિકા અને રાધા આવ્યાં અને દ૨બા૨માં જમાલ નીકળ્યો તે સમાચાર લાવ્યાં, સઉ સૌભાગ્યદેવી પાસે ગયાં અને એની એ કથા પુનરુક્તિથી નીરસ ન બની.
આખરે વિદુરપ્રસાદ આવ્યો અને દરબાર થઈ રહ્યો ત્યાં સુધીના સવિસ્તર સમાચાર લાવ્યો. અલકકિશોરીનો આનંદ માયો નહી અને તેનું ચાલત તો તે ગજ ગજ કુદત. કુમુદસુંદરી અમાત્ય બુદ્ધિના વર્ણનથી અદ્દભુત રસમાં ડુબી, અમાત્ય કુટુંબમાં પ્રવેશ પામવામાં અભિમાનપ્રદ ગણવા લાગી, અને તેનો જય જોઈ તેના સ્વાર્થમાં આત્મસ્વાર્થવશ બની નિશ્ચિત થઈ સુખસાગરની સીમા ગંભીરતામાં આવતી હોય તેમ સ્વામીના જયવર્તમાન સાંભળી અને તેના શત્રુ એને સર્વતઃ નાશ કરવા ઈશ્વર ઈચ્છાને પ્રવર્તતી જોઈ સૌભાગ્યદેવી ગંભીર બની અને કદી ન વેઠેલા આનંદઓઘના ભાર નીચે ડબાઈ જતી હોય તેવી દેખાવા લાગી. દયાશંકર આવ્યા અને તેની પાસે વળી સર્વે કથાની પુનરુક્તિ થઈ અને સર્વેયે રસભેર સાંભળી.