પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬

“ તમે બોલો તે ઉપરથી હું તો તુલના કરું. ”

“ આ જગતમાં મ્હારું અંતઃકરણ કોઈ પણ જાણતું હશે તો તે તું છે અને તું જ આવી ભુલ કરે તો બીજાને દોષ ન દેવાય.”

“ ત્યારે શું તમે બોલ્યા તે બધું જુઠું ?”

“ ના, એ ય સાચું ને આ યે સાચું. અંતઃકરણવિના શરીર નકામું છે પણ અંતઃકરણવિના શરીરને બીજા ઘણાક ભાગ છે. સ્ત્રી ખરી પણ એના શીવાય ઘણો સંસાર બાકી ર્‌હે છે – તે સ્ત્રીમાં આખા ભાગ્યની પર્યાપ્તિ કેમ થાય ? ”

ઘણીક અાવી વિનોદવાર્તા થઈ અંતે ચંદ્રકાંત ઘેર ગયો. એ પણ સરસ્વતીચંદ્ર જેટલું જ ભણ્યો હતો; પરંતુ રંક કુટુંબનો હતો અને મિત્રના આશ્રયથી જ અભ્યાસ કર્યો હતો. એ ગયો એટલે સરસ્વતીચંદ્રે બારણાં વાસી કાગળ લીધો – વાંચ્યો. કાગળમાં તે શું લખ્યું હશે ? બાળક કન્યા વરને શું લખે ? વાંચનાર, સાંભળ. એ કાગળ ઘણો ટુંકો હતો.

મ્હારા ચંદ્ર,
"શું લખવું તે મને સુઝતું નથી. લખવાની સ્વયંભૂ વૃત્તિ થવાથી
લખું છું અને અક્ષર દ્વારા આપના દર્શન ઇચ્છી રંક લેખ મોકલું છું.
અાપને તો આ નિર્માલ્ય પત્ર વાંચી હાસ્ય થશે. પરંતુ ચંદ્ર છો – સર્વ
ગુણમાં આકાશ જેટલા ઉન્નત છો - તો પણ પૃથ્વી પર પડી રહેલા ક્ષુદ્ર
કુમુદને વિકસાવવું તે ચંદ્રનું કર્તવ્ય ગણાય છે. આખું જગત એમ
ગણે છે તો હું કેમ ન ગણું ? બીજું શું લખવું તે સુઝતું નથી.”
અાપની છબિ આપની પાસે માગું તો ?”
"અા પત્રનો વિષય મ્હેં નથી શોધી ક્‌હાડ્યો – મ્હારા અંત:કરણે
શોધી કહાડ્યો છે અને તેને પ્રેરનાર અાપ છો."
"વિશેષ શું લખું ?"
"લી. અાપની કુમુદ.”

રસિકના બીડાયેલા મર્મસ્થળને વિકસાવનાર એકાંતે સરસ્વતીચંદ્રના હૃદયકમળની પાંખડીયો કંપાવી. તેના વિચાર પ્રમાણે તો માણસના જીવનને સ્ત્રી આવશ્યક ન હતી; લગ્ન આખા જન્મારાના પાશરૂપ હતું. નિર્વંશ થવામાં વૈરાગ્યની સંપત્તિ હતી, સ્નેહ માનસિક રાખવો જ ઉચિત હતો. શરીરસૌંદર્ય મૂર્ખનું જ મોહક હતું; મન્મથ મનમાંથી દૂર રાખવો એ સર્વ કાળે શકય હતું; અને સંસાર ક્ષુદ્ર, નિઃસત્વ, નિર્માલ્ય અને નિરુપયોગી હતો.