પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫

ઉભો કે કોનો કાગળ છે તે જણાય. સરસ્વતીચંદ્ર તે નવીન કાગળ જોઈ વિસ્મિત થયો, ફોડી પ્રથમ જ લખનારનું નામ વાંચતાં મનને ઉપભોગ થયો, કોનો કાગળ છે તે ન ક્‌હેતાં ચંદ્રકાંતના હાથમાં જ કાગળ મુક્યો અને હસ્યો અને મિત્રના ઉપર શી અસર થાય છે તે જોતો જોતો આનંદવિચારમાં પડ્યો.

“ભાઈ મ્હોટાનું ભાગ્ય મ્હોટું હોય છે તેનું આ દૃષ્ટાંત. આપણા લોકોમાં તો આવી કન્યા આવતે અવતાર પામીએ !” કાગળ પાછો આપતાં આપતાં વાંચતો વાંચતો ચંદ્રકાંત આંખો વિકસાવી અભિનંદન કરતો બોલ્યો.

"ચંદ્રકાંત, એમાં મ્હારું ભાગ્ય આવી ગયું ?” સરસ્વતીચંદ્ર પુષ્કળ હસ્યો.

“ત્યારે શું આવું રત્ન હીંદુઓનાં ભાગ્યમાં હોય છે ? ભાઈ. આ કન્યાદાન વાસ્તે ઈશ્વરનો જેટલો ઓછો ઉપકાર માનશો તેટલી કૃતજ્ઞતા થશે.”

“તું તો હજી આવો ને આવો રહ્યો. ઈંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ તને એ મળ્યું કે સ્ત્રીમાં સંસારને સમાપ્ત કરી દીધો ! સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થતી નથી.”

"તમારા જેવા રસિકના મુખમાં આ વૈરાગ્ય સમજાતો નથી.”

"હું ક્યાં વૈરાગ્યની વાત કરું છું ?”

“ત્યારે આ તે બીજું શું ? મ્હારે ઘેર આવો ને મૂર્તિ બેઠી છે તે જુવો ને પછી ક્‌હો કે મ્હારા ને તમારા ભાગ્યમાં કેટલો ફેર છે ? આ કાગળ જ પ્રત્યુત્તર !”

“તું સ્ત્રીસંતુષ્ટ નથી. બાપડી ગાંગાભાભી ભોળી છે – તે શી ખોટી છે કે આટલો અસંતોષ બતાવે છે ?”

"પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજો એમ વિચાર રાખનાર તો તમને જ જોયા ! આવાં કુમુદસુંદરી તેનાથી તમને સંતોષ નથી વળતો અને મ્હારે માથે અસંતોષનો આરોપ મુકો છો ! વાહ વાહ ! વાહ વાહ ! આવા સ્નેહથી ઉભરાતો મુગ્ધાનો રસિક પત્ર તેનાથી તમે સંતોષ પામતા નથી અને હું અસંતોષી શા માટે ? મને તો સંતોષ જ છે ને મ્હારી ગંગા તે મ્હારી જ છે. પણ આપ વિચાર કરો - કાગળ જુવો તો ખરા !"

સરસ્વતીચંદ્ર ઉભો થયો, ફરવા લાગ્યો, અને હસ્યો.

"ચંદ્રકાંત, શું ત્હારા મનમાં એમ જ આવી ગયું કે આ કાગળની મને કીમ્મત નથી ?"