તેની સાથે નિર્દોષ બાળકીના અંતઃકરણમાં ઘણાક મનોવિકાર ઉદય પામ્યા અને કોઈ કોઈ સમયે અગ્નિની પેઠે સળગતા. ઉગતી યુવાવસ્થાનો તનમનાટ આથી વધ્યો. પતિને જોવાની, તેની સાથે પ્રસંગ પાડવાની, અને એવી કઈ કંઈ આતુરતા આ જુવાન થતી વેલીના ફુટતા નવપલ્લવ પર બેસી તેને કંપાવવા લાગી. એક દિવસ તો પતિએ પિતા ઉપર કાગળ લખેલો તે વાંચીને પિતાએ ટેબલમાં મુક્યો તે જોવાનું મન થયું. પિતાની રજા વિના તે કેમ બને ? લજજા છોડી રજા માંગતાં જીભ કેમ ઉપડે ? આખરે મને મનનો માર્ગ શોધ્યો. પિતા આઘાપાછા થતાં કાંઈક નિમિત્તે ટેબલ પાસે ગઈ. ઘણાક કાગળના જથામાંથી દૃષ્ટિપાતવડે જ જોઈતો કાગળ ઓળખ્યો અને સળગતા આકાશમાંથી પ્રભાતનું કોમળ ઉજળું કિરણ શ્વેત-કમળને પકડી ખીલવે તેમ સ્વચ્છ આસમાની સાડીમાંથી નાજુક ગોરો હાથ ક્હાડી પત્ર પકડી લીધો અને તે જ હાથે પોતાની મેળે ઉકેલાઈ જતો એ પત્ર ઉંચો કર્યો ! લઈ લીધો, જરીક તે ભણી જોઈ રહી, સ્મિતથી મલકાઈ, બ્હીતી આંખ ચારેપાસ ફેરવી, હાથ સોડીયામાં ભરવી દીધો, અને ડાહી ડમકી બની પોતાના ખંડમાં ચાલી ! “પિતાના ટેબલમાંથી હું ચોરી કરું છું” એ વિચાર તેના મનમાં પળવાર આવ્યો પણ ઈશ્વરલીલાને બળે એ ચોરી એના પવિત્ર મનમાં પણ વસી નહી ! કાગળ વાંચ્યો – બીજીવાર વાંચ્યો – ત્રીજીવાર વાંચ્યો – વાંચતાં ધરાઈ નહી જ. સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી - મનહર ભાષાથી – પ્રૌઢ વિચારથી તે મોહ પામી – પરવશ બની. કાગળ છાતી સરસો ડાબ્યો, રોમાંચ અનુભવ્યો, અને શૂન્ય ભીંની આંખોથી ઉંચું જોઈ રહી. “મ્હારા પ્રિય – પ્રીતમ – પ્રાણનાથ - એના આ અક્ષર ! આવા કાગળ મ્હારા ઉપર ન આવે ?” એવા જ કાગળની આતુર મુગ્ધાએ પતિ પર કાગળ લખવા આરંભ્યો – કાગળ લખું છું એ વિચારથી એકાંતમાં ને એકાંતમાં શરમાઈ – મથાળું જ કેમ કરવું તે સુઝયું નહીં. “મ્હારા પ્રિય” એમ લખું ? “પ્રાણનાથ ” લખું ? કંઈ કંઈ વિશેષણો કંઈ કંઈ કારણથી રદ કરી આખરે “મ્હારા ચંદ્ર” અને “આપની કુમુદ” એ સંબંધથી લેખનાં અથઈતિ કર્યાં. તેના હૃદયને સાથે પકડી, હૃદયને ઠેકાણે આતુરતા - ઉત્સુકતા મુકી, કાગળ, ટપાલમાં ચાલ્યો અને પ્રવાસ કરતો કરતો લક્ષ્મીનંદનને ઘેર તેના ઉપરના કાગળોના બંડલ ભેગો એ પણ આવ્યો. લક્ષ્મીનંદને કાગળ ઉપરના અક્ષર જોઈ સહજ વિચાર કરી ચાકરને આપ્યો. ચાકરે ગુમાનને બતાવી સરસ્વતીચંદ્ર પોતાના ખંડમાં ચંદ્રકાંત સાથે બેઠો હતો તેને આપ્યો, અને ગુમાનની સૂચનાનો અમલ કરવા પાછાં જતાં પ્હેલાં જરીક
પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૩૨
Appearance