પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩

ચસમાં ચ્હડાવી ન્યાળી, રાચી, તેને મસ્તક હાથ મુકી, આશીર્વાદ દેઈ લગ્નનો સમય ઈચ્છવા લાગી. “વિદ્યાચતુર શાને લગ્ન કરવામાં ઢીલ કરતાં હશે ? લગ્ન કરે તો હું ભાગ્યશાળી થઈ અને વરકન્યાની જોડ બંધાઈ જોઈ સંસારમાંથી પરવારું.” આમ વિચારી કોઈ કોઈ સાથે વિદ્યાચતુરને સંદેશ ક્‌હાવતી. વિવાહ કરવાની બાબતમાં જેણે ઢીલ નહોતી કરી તે વિદ્યાચતુર લગ્નની ઉતાવળ કરવા ખુશી ન હતો, અને ડોશીને નારાજ કરવા પણ નાખુશ હોવાથી તેને દીલાસા ભરેલા વાયદા ક્‌હાવતો.

સરસ્વતીચંદ્રનો વિદ્યાભ્યાસ ઘણો વધ્યો. સત્તર અઢાર વર્ષની કુમળી વયમાં તે એમ. એ. ની પરીક્ષામાં સફળ થયો અને તે પછીના વર્ષમાં કાયદાની પરીક્ષામાં પણ સફળ થયો. ઘણીક પરીક્ષાઓમાં અને ઘણાક નિબંધો લખી પારિતોષિકો (ઈનામો), પાંડિત્યવેતનો (સ્કૉલરશિપો), ચંદ્રક (ચાંદ) વગેરે તેણે મેળવ્યાં હતાં અને સર્વ ઠેકાણે ઉત્તમ વિજયી નીવડ્યો હતો. મહાશાળાના પાઠકો, પરીક્ષકો, અને બીજા પ્રસિદ્ધ પંડિતો તેના ઉપર પ્રીતિ રાખતા. તેનું મસ્તિક (મગજ) [૧]સર્ગ શક્તિવાળું ગણાતું, તેની રસજ્ઞતા અને રસિકતા ઉંચા પ્રકારની લેખાતી, અને વિદ્યા-લક્ષ્મીના સંગમથી સોનું અને સુગન્ધ બેનો ૨મણીય યોગ તેનામાં થયો લાગતો. ગર્ભશ્રીમંતના ગુણ સ્પષ્ટ જણાતાં છતાં શ્રીમંતાઈના સહચારી દોષ તેનામાં આવવા પામ્યા ન હતા. શરીર વ્યાયામ (કસરત)વાળું અને કાંતિમાંન હતું. મુખ ઉપર પ્રતાપ અને કોમળતા એકઠો વાસ કરી રહ્યાં હતાં, રાક્ષસ જેવો ન લાગે એટલે ઉંચો, જાડો ન લાગે એવો બેવડીયા કોઠાનો, અને ફીક્કાસમાં ન ખપતાં આંખને ગમે એટલી ગૌરતાવાળો સરસ્વતીચંદ્ર ભણ્યો ન હત, શ્રીમંત ન હત, તોપણ શરીરના રમણીય અને પૌરુષ દેખાવથી જ સર્વનું મન હરત એમ તેના વિદ્વાન મિત્રો પણ ક્‌હેતા.

કુમુદસુંદરી વયમાં આવી અને વધારે વધારે ભણી તેમ તેમ સરસ્વતીચંદ્રની વાતો માતાપિતાને મ્હોંયે સાંભળવાની રસીયણ બની. શ્વશુરજામાતાને પત્ર વ્યવહાર હતો તેથી વિદ્યાચતુર ઘણીવાર ગુણસુંદરી પાસે સમાચાર ક્‌હેતો અને વિશેષ વાર્તાનો પ્રસંગ આણતો. આવો વિદ્વાન અને વત્સલ પિતા જેની આટલી સ્તુતિ કરે તે પુરુષ કેવો હશે ? પુત્રી આઘીપાછી બેઠી હોય તેવે સમયે પિતા જાણી જોઈ જામાતાની વાત ક્‌હાડતો તે એવી ઈચ્છાથી કે એનો પતિ-પ્રેમ ગાઢ થાય. આ ઈચ્છા સફળ થઈ. પણ


  1. ૧. Originality, નવીન કલ્પના ઉત્પન્ન કરવાની શકિત્ત