લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨

પાસે મધુકર વૃત્તિ કરવાને અવકાશ ઓછો મળતો. તેમ જ તેમની દૃષ્ટિને ઝાંઝવાં વાળતાં હવે લક્ષ્મીને વાર લાગતી હતી. એ સર્વ વર્ગમાં હજી સરસ્વતીચંદ્રને પ્રસંગ રાખવાનો અવકાશ અનેકધા હતો. તે ધારાશાસ્ત્રની પરીક્ષામાં સફળ થઈ મુંબાઈના વરિષ્ઠ ધર્માસનનો[] પક્ષવાદી[] બન્યો હતો અને પક્ષમંત્રી[] થવા અભ્યાસ કરતો હતો. પરંતુ તે અભ્યાસને ઉદરનિર્વાહનું સાધન કરવા તેની ધારણા ન હતી. પિતાના વ્યાપારભારમાં અવકાશને સમયે સહાયભૂત થવા યત્ન કરતો અને આખરે પક્ષમંત્રીની પદવી અલંકાર સ્થાને રાખી વ્યાપારમાં જ ગુંથાવા ઈચ્છતો હતો. પરંતુ આ સમયમાં ઘણાક વિદ્વાન ગૃહસ્થો સાથે તેને પ્રસંગ પડતો હતો. ઘણીક સભાઓમાં એ અંગભૂત[] હોવાથી આ પ્રસંગનાં સ્થાન અનેક થયાં હતાં. પિતાના વિદ્વાન મિત્રોમાં પરિચય હતો તે તો આ ઉપરાંત. પુત્રનો આ લાભ થયો તે પિતાને ઓછો થયો. લક્ષ્મીનંદનની આસપાસ હવે માત્ર દ્રવ્યવાન અને દ્રવ્યાર્થી વર્ગ જ રહ્યો, કારણ વિદ્વાનો પુત્રની આસપાસ ભરાયા. અને વિદ્વાનવર્ગમાં તો ઘણેક સ્થળે પોતાના નામને ઠેકાણે “સરસ્વતીચંદ્રનો પિતા” એ નામે એાળખાવા લાગ્યો. ઈર્ષ્યાવાળી પણ કાંઈક બુદ્ધિશાળી ગુમાનને આ સર્વ વિપર્યય જણાયો અને તે બળવા લાગી, કારણ આ સર્વ હાનિ અંતે ધનનંદનને જ છે એવું તેના મનમાં આાવ્યું. પોતાનાં બાળકને વારી રાખતી તોપણ તે સરસ્વતીચંદ્ર પાસે જઈ બેસતો અને રમતો, એથી ગુમાન પ્રસન્ન થવાને બદલે વધારે વધારે ખીજવાઈ. એવામાં સરસ્વતીચંદ્ર પક્ષમંત્રીની પરીક્ષામાં સફળ થયો, લક્ષ્મીનંદન પણ મ્હોટા પુત્રની સ્તુતિ કરવા લાગ્યો, અને તેને વ્યાપારમાં પોતાને સાથી કર્યો. તે જોઈ ગુમાનની અમુઝણનો પાર રહ્યો નહી. અધુરામાં પુરી ડોશી પણ ઉઘાડે આનંદ બતાવતી અને વહુના ઈર્ષ્યાગ્નિના સચેત અંગારા પર પવન નાંખ્યા જેવું કરતી. “મુવો, આ છૈયો - પેલાના ખોળામાં જ જઈને બેસે છે” એવું વચન એક વાર તેના મુખમાંથી નીકળી ગયું તે ડોશીને કાને પડ્યું અને ગુમાન મ્હોંની મીઠાશ રાખતી તે પણ ધોવાઈ ગઈ.

ઘરમાં જેમ ગુમાનનાં માણસો હતાં તેમ ડોશીનાં પણ હતાં. સરસ્વતીચંદ્રની જે જે વાતે ગુમાન લક્ષ્મીનંદનને મ્હોડે કરતી તે ડોશીની પાસે આવ્યા વિના રહેતી નહી, અને પૌત્રને તે સર્વ પોતે કહી દેતી. આ વાતો સાંભળી ક્ષોભ પામ્યા વિના સરસ્વતીચંદ્ર ડોશીને ત્હાડી પાડતો હતો.


  1. ૧. હાયકોર્ટ
  2. ૨વકીલ
  3. કાંઉસલ - બારિસ્ટર
  4. મૅમ્બર