લક્ષ્મીનંદન અને ગુમાન એકલાં પડતાં કે ગુમાનનું ભાષણ ચાલતું પણ વાળુ કરી પરવારી પથારીમાં થાકી પાકી સુવે તે સમય ભાષણને વાસ્તે વિશેષ અનુકૂળ પડતો. પતિને હાથે ડબાતા સ્ત્રીકંઠમાંથી જીભ વધારે વધારે નીકળતી. સ્વાર્થી પુરુષ તે જીભના જો૨થી ડબાઈ જતો. નિર્લજજ વક્ષ:સ્થળ નીચે અસત્ય વધારે વધારે ભરાતું. આખા દિવસના શ્રમિત અને વિરામ શોધતા ચિત્ત પર ઉશ્કેરાયેલા ઉશ્કેરતા ભાષણની અસર નિરંકુશ થતી અને નિશા–ગુરુ બનેલીના ઉપદેશને તરત તો ચેલા જેવો લક્ષાધિપતિ હા યે હા ભણતો.
પ્રતિદિવસ ભાષણ કરવા સારું ગુમાનને કંઈ કંઈ પણ વિષય જડતો જ; અને આંસુ, રોષ, મ્હેણાં ઈત્યાદિ અસ૨કા૨ક અલંકારોનો ભંડાર તેની પાસે અક્ષય્ય હતો. કાલિદાસ કરતાં પણ તેની ઉપમાઓ વધારે સ્ફુટ હતી. બાણના કરતાં પણ તેની કથા વધારે સારી રીતે સંકલિત રહેતી.
સરસ્વતીચંદ્રે ઘરના વ્યાપાર કાર્યમાં સારી પ્રવીણતા થોડાક કાળમાં મેળવી અને તેની સુજનતાથી પરભાર્યાં તથા હાથ નીચેનાં સર્વ માણસો તેને પ્રીતિવશ થયાં. પિતાનો ભાર થોડાક કાળમાં પુત્રે પોતાને શિર લેઈ લીધો. અમાંથી ગુમાનના ભાષણોને એક વિષય મળ્યો. સરસ્વતીચંદ્રને ઘરમાં સર્વે “ભાઈ” કહી બોલાવતાં અને ભાઈના સામી ફરીયાદો ગુમાનની શય્યાપર દેવકોપદર્શક ઘીમેલોની પેઠે ઉભરાવા લાગી.
“શી વાત ! હવે તમને તો જાણે કોઈ પુછતું જ નથી ? ઘરમાં યે ભાઈ અને બ્હાર પણ ભાઈ! ભાઈ કરે તે ખરું – તે જ થાય. અમને તો કોઈ પુછે નહી એમાં નવાઈ નહી – પણ તમને યે હવે તે પૂજે તો દેવ નીકર પત્થર ! તમને કાંઈ તેની ચિંતા છે ? બે આંખની શરમ. તમે માથે છતાં અમારી આ સ્થિતિ તો પાછળ તો ઈશ્વર ક્હડાવે એ દિવસ ખરા. જુવો છો કની પેલી બાપડી દુર્ગાની કોઈ આજ ખબર પણ પુછે છે ?”
“હવે થવાનું એમ કે ભાઈ આખું ઘર સંભાળશે અને અમે એનાં ચાકર થઈ ૨હીશું. પણ કોનો વાંક ક્હાડું ? તમે જ આવા એટલે કોઈને શું કહું ? પણ સરત રાખજો ને મને સંભારજો કે ભાઈ તમને પણ પાંદડે પાણી પાશે. તમે વિશ્વાસુ છો અને એ આજ કાલના ઈંગ્રેજી ભણેલાઓ ન દેવને ગાંઠે તો માબાપ તે શા લેખામાં ? ઘર દરદાગીનો અને વેપાર સઉ હાથ કરી લેશે. એટલે તમે માળા જપજો – કાકા મટી ભત્રીજા થજો – અને હું અને મ્હારે ધન -"એમ કરી ડુસકાં ભરવા લાગી.