પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯

આવા વિષયોમાં શેઠે પણ કદી આમ દ્રવ્ય ખરચ્યું ન હતું અને તેને પણ પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. “તમે જે સોપ્યું છે તેનો આ ઉપયોગ તો દેખીતો છે – બીજો આપણી દૃષ્ટિ બ્હાર પણ કેટલો હશે તે તો ખબર જ શી રીતે પડે ? આ તમારા વિશ્વાસનું ફળઃ ” આમ ગુમાને સૂચવ્યું અને ચંદ્રલક્ષ્મીવાળા દ્રવ્યમાંથી આ ઉપયોગ થયો હશે તે તો શેઠને સાંભર્યું જ નહી. તેમનો મીજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો.

વૃદ્ધ પિતામહી, ગુમાનનાં સર્વ કાર્યસ્થાન (કારસ્તાન) શોધી ક્‌હાડી, સરસ્વતીચંદ્રને એકલો બોલાવી, ગુપચુપ વાતો કરી, કહી દેતી અને એ સર્વ વાત સાંભળી ર્‌હેતો, પિતામહીને શાંત પાડતો, પણ ગુમાનની દુષ્કૃતિ અને શેઠની ફરતી વૃત્તિ જાણી, અંતરમાં ખિન્ન થયા વિના તેનાથી ર્‌હેવાતું નહી. પિતામહીના મનમાં એમ નક્કી આવ્યું કે લક્ષ્મીનંદન આખરે મ્હોટા પુત્રને રઝળાવશે. આનો ઉપાય પોતે તો શો કરે પરંતુ પોતાની પાસે પણ લાખ પોણાલાખનો સંચય હતો તે મ્હોટા પુત્રને આપી દેવા ઈચ્છા જાણવી. સરસ્વતીચંદ્ર તે સાંભળી જરી હસ્યો અને કહ્યું કે “માજી, ઈશ્વર સર્વની તેમ મ્હારી સંભાળ રાખશે જ. તમારા વિચારનો નિર્વાહ (અમલ) કરવાથી પિતા માતા વધારે કોપશે, કુટુંબમાં ક્‌લેશ વધશે, અને મ્હારે માથે વિશેષ આરોપ આવશે, માટે વધારે સુતર તો એ છે કે એ સર્વ ન્હાના ભાઈને મૃત્યુપત્ર કરી આપો. એટલે સઉ આજ તમારા હાથમાં રહેશે, પિતા માતા પ્રસન્ન થશે અને ગુમાનબાએ જે વિપરીત ભાવ આરંભ્યો છે તે મુકી દેશે.” આ વાત ડોશીને ન ગમી. આમ કરવાથી શેઠ કે ગુમાન સરસ્વતીચંદ્રનો પાડ માનશે નહીં અને ગુમાન એટલાથી અમીવૃષ્ટિવાળી નહી બને અને મ્હોટા પૌત્રની હરકત દૂર નહી થાય એમ ડોશીના મનમાં આવ્યું. તે બીજો ધંધો કરી રળી ખાય એવી તેની તાકાત ડોશી જાણતી હતી, પણ એવા કુળના દીવાને કુળમાંથી કંઈ નહી મળે એવી શંકા ઉપજવાથી તેના મનમાં ઓછું આવતું અને રોતી. કારણ પોતાના વિચાર સાધવામાં સરસ્વતીચંદ્ર જ વચ્ચે આવતો દેખી ઉપાય ન સુઝ્યો. એમ કરતાં કરતાં પૌત્ર બ્હાર ગયો હતો એવે સમયે ચંદ્રકાંતને એકાંતે બોલાવી તેની સહાયતા માગી.

ચંદ્રકાંતે ડોશીની વાર્તા સાંભળી અને તેને એ સ્વીકારવા યોગ્ય લાગી. પણ ડોશીની યોજના પાર પડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જયારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંક૯પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય કંઈક દેશોન્નતિને અર્થે રોકી દેવું, પિતાનું