વાડામાં ગમશે. વળી કાલ શિવરાત્રિ છે એટલે મહાપૂજાની ગોઠવણ
કરવા અમાત્યનાં ઘરનાં બધાં આવવાનાં છે. તે વખત પણ તમે વાડામાં
હો તો તેમની મરજાદ સચવાય. ચાલો આ મ્હારી ઓરડી.”
નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને થોડીક જ વાર થઈ એટલામાં ગાડીઓનો ગડગડાટ, અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકવાળા બે હાથ આગાડી ધરી ઉતાવળો ઉતાવળો મૂર્ખદત્ત ઓરડીના બારણા આગળ આવ્યો અને ડોકું ઉંચું કરી કાંડાવતે ચોટલી ઠીક કરી આંખો લ્હોતો ૯હોતો દરવાજા ભણી જોવા લાગ્યો એટલામાં તેમાં થઈ ચાર પાંચ સુંદરીયો પગના ઘુઘરાના ઘમકાર કરતી અંદર આવી પહોંચી, અને શિવાલયનાં પગથીયાં પર પ્રયત્નથી ચ્હડતી હોય એમ દેખાઈ.
આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી.
- ↑ *પ્રકરણ-૨, ૩, ૪, અને ૫, એમાં વાર્તાના પ્રસંગ કરતાં ઇતિહાસ જ પ્રધાનભૂત છે.