કાંઈ મોભે ચ્હડી ! એને તો છંછેડવી જ નહીં ! પેલા પારસીની આાટલી આગતાસ્વાગતા કરી ત્યારે મૂર્ખે બધી ખાનગી વાતચીત પણ વર્તમાનપત્રમાં છ૫ાવી – એ અને આ બેયે જાતભાઈ જ ! જગતને શીખામણ આપવી એ કાંઈ મ્હારું કામ નથી.” જાતિ સ્વભાવ ભુલી રાજકીય વ્યવહારી બે વસમા વેણ કહ્યાં હતાં તેનો ઉતાર કરવા લાગ્યો – તે પાછો પોતાની પ્રકૃતિ પર આવ્યો અને હૃદય ઢાંકી જીભવતે અમૃત લ્હાવા લાગ્યોઃ
“ચંદ્રકાંત, તમે ખોટું ન લગાડશો. તમારા મિત્ર તે મ્હારા પણ એકવાર સંબંધી હતા અને હજી પણ મ્હારું ચિત્ત તેમને વાસ્તે બળે છે. પણ આટલું તો તમે પણ સ્વીકારશો કે એમણે છેક આમ કરવું જોઈતું ન હતું. હશે ! ઈશ્વરેચ્છા આગળ એ શું કરે ? તમે એમને પાછા મળો તોપણ હવે એ તમારું કહ્યું માની નહી શકે અને મ્હારો સંદેશો પ્હોંચાડશો તો કાંઈક એમને અસર થશે જાણીને મેં તમને કહ્યું. પણ એમનો સ્વભાવ તમે વધારે સારી રીતે જાણો, માટે યોગ્ય લાગે તે ખુશીથી કરવું. સાંઝસોરી સઉ વ્યવસ્થા થશે.”
તોફાની સમુદ્રતરંગઉપર નૌકાપતિએ તેલ ઢોળ્યું કે તરત જ તરંગ શાંત પડ્યા અને તે ઉપર નૌકા નીરાંતે સરવા લાગી. ચંદ્રકાંત ધીરો પડ્યો. આવે સમયે મિત્ર પર થયેલી ટીકા ન સંખાઈ તેથી વધારે ઓછું બોલાયું તેની પ્રધાન પાસે ક્ષમા માગી. તે વિજ્ઞપ્તિને પોતે સ્વીકારે છે કે નહી તે જણવવાની જરુર ન લાગી હોય, તત્ત્વતઃ ઉત્તર દેવો ન હોય, અને સામો માણસ તે ન કળી જતાં શાંત પડે એવા ઉત્તર સહેજ વિષયમાં પણ આપવાના પરિચયવાળે શબ્દવ્યવહારી હસ્યો અને બોલ્યો: “ કાંઈ હરકત નહીં, એમાં ક્ષમા શાની માગે છે ?” નિ:સ્પૃહી ચિત્તમાં આ ધ્વનિ જવા પણ ન પામ્યો; પ્રતિધ્વનિરૂપે પાછો ઉછળ્યો પણ નહી; ચિત્તની બહાર કંઈક ખુણે ખોચલે કોણ જાણે ક્યાં ગડબડતો ગડબડતો છાનોમાનો સરી ગયો. સંધ્યાકાળે એક મ્હોટા શીગરામમાં બેસી ચંદ્રકાંત નીકળ્યો અને તેમાં સુતો સુતો મિત્રના વિચાર કરતો કરતો સુવર્ણપુર ભણીને પન્થે વળ્યો.
નવીનચંદ્રનું નામ બુલ્વરસાહેબપર આવેલાં પત્રો પર હતું પણ નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર હશે જ કે નહી તેની ખાતરી ન હતી; નવીનચંદ્રના બાપનું નામ ખબર ન હતું. તેનું શીરનામું ખબર ન હતું; તે છતાં હશે તો કાગળ આથડતો આથડતો પ્હોંચશે ફરી એક કાગળ લખ્યો. તે જ નવીનચંદ્રને પ્હોંચ્યો અને તે જ કુમુદસુંદરીના હાથમાં આવ્યો હતો.