પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫

દમ્ભ ઉભયને છોડી દે – એટલો તો સુજ્ઞ અને સાધુ થા ! સામાને શીખામણ દેનાર ! પોતાની જ અંત:પરીક્ષા ક૨.

ગરીબ બીચારી કુમુદ ! તે ઉઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ પાછી આવી. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ખુરશી પર બેઠી. “એ તો જ્ઞાન મને ગમતું નથી.”[૧]–“ગુણહીણ ગોવાળીયા લોક જ્ઞાન નથી પામતા રે” [૨] એવું એવું ગાતી વળી ઉઠી – સાંકળે હાથ અરકાડ્યો – લેઈ લીધો અને પાછી અાવી ખુરશી પર બેઠી અને ટેબલ પર ઉંધું માથું નાંખ્યું. વિચારશક્તિ - વીર્યહીન – નપુંસક બની ગઈ.“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે “સામો હશી – ફેંકી તરંગો મુજ ભણી –” આ પદમાં કલ્પનાપક્ષિ પકડાયું. “આ વિશાળ વક્ષઃસ્થળમાં સમાસ પામવો – અા તરંગ – હસ્ત – ભુજ ફેંકાઈ ને મને સ્હાય ” એ અવસ્થાની અભિલાષરૂપ રમણીયતા ઉંધા પડેલા મસ્તિકને ભોળવવા - લલચાવવા - ફસાવવા – સમાવવા લાગી. વિચારમાં પડી, વિચારનું વિવાસન (દેશનિકાલ) જોઈ ઓઠપર આંગળી મુકી એક પગ ખુરશી પર અને એક નીચે એમ રાખી તે ઉભી.

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે વનલીલાનું સાસરું હતું. વનલીલાને સાસુસસરો હતાં નહીં. અા પ્રસંગે તે અગાશીમાં પવનમાં સુતેલા પતિનું માથું ખોળામાં લેઈ તેને નિદ્રાવશ કરતી કરતી ગાતી હતી તે સ્વર ત્રુટક ત્રુટક ઘડી ઘડી નિઃશબ્દ જગતના વાયુની પાંખ ઉપર બેસી કાન ઉપર આવતા હતા અને કુમુદસુંદરીને ન્હવરાવી દેઈ કંપાવતા હતાઃ

"ઉભા ર્‌હો તો કહું વાતડી, બીહારીલાલ,”
"તમ માટે ગાળી છે મ્હેં જાતડી, બીહારીલાલ,”[૩]

કુમુદસુંદરીનું મ્હોં વ્હીલું થઈ થયું. થોડુંક ન સંભળાયું. “એણે મ્હારે સારું જાત ગાળી – મ્હેં શું કર્યું ?” એ વિચાર થયો. વળી સંભળાર્યું.

“તાલાવેલી લાગી તે મ્હારા તનમાં, બીહારીલાલ,”
“કળ ના પડે રજનિ-દિનમાં, બીહારીલાલ.” [૩]

નિઃશ્વાસ મુકતાં પોતાને લાગેલી તાલાવેલી સમજાઈ - ન સ્‌હેવાઈ- અને મુખ મૂક થઈ ગયું. રંગીલું ગીત વળી વાધ્યું:

“બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે, બીહારીલાલ,
“સલિલમીનતણી રીત રાખી રાચીયે, બીહારીલાલ ! ”[૩]

  1. ૧- પ્રેમાનંદ, સુદામાખ્યાન.
  2. ૨. પ્રેમાનંદ, ભમરપચીશી. “ ગુજરાતમાંઅપ્રસિદ્ધ કાવ્ય” - સન ૧૮૮૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩. અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.