લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫

લાગી અને ટેબલ પરની કુસુમસુંદરી હળવે હળવે ટોળ કરતી ગાતી સંભળાઈ:

“ બ્‍હેન બ્‍હાવરી, હોં-તું તો બ્‍હાવરી હો !
" હાથનાં કર્યા તે વાગશે હૈયે કે બ્‍હેન મ્હારી બ્‍હાવરી હોં !
બ્‍હાવરી હોં !”

એમ ક્‌હેતી ક્‌હેતી ન્હાની બહેન ઉઠી અને સામે આવી હસતી હસતી હાથેલી વતે ચાળા કરવા અને બ્‍હેનને બનાવવા લાગી. કુમુદસુંદરી થાકી ગઈ અને ખુરશી પર બેસી રોઈ પડી. "ઓ ઈશ્વર, હવે હું આવો વિચાર પણ ફરીથી નહીં કરું ! ” એમ બોલી નિઃશ્વાસ મુકી અમુઝાઈ ટેબલ પર માથું ઉંધું પટક્યું. રોઈ રોઈ અાંખો રાતી કરી દીધી, ટેબલ પરના કાગળ પ્‍હલાળી દીધા અને છાતી કુટી. પશ્ચાત્તાપની – ઈશ્વરશિક્ષાની – સીમા અાવી. ચોળાયલી અાંખ ઉંચી કરતાં સર્વ દેખાવ અગોચર થયેલો લાગ્યો, મેડી નિત્યના જેવી એકાંત દેખાઈ અને તેમાં પોતાને એકલી હતી તેવી જ જોઈ ઈશ્વરે ક્ષમા આપી અંતઃકરણે પરખી - ઈશ્વ૨ ત્રુઠ્યો લાગ્યો. હૃદય ભાર તજી હલકું હલકું થતું અનુભવ્યું.

હજી પ્રાયશ્ચિત્ત પુરું ન થયું. અશ્રુપાત એનું શરીર ઝબકોળતો ન અટક્યો:

“ રોઈ રોઈ રાતી અાંખડી, ખુટ્યું આંસુનું નીર !
“ નયને ધારા એ વહે, વહે છે રુધિર–
" વૈદર્ભી વનમાં વલવલે ! ”[]

માનસિક વિશુદ્ધિએ પળવાર પોતાનો ત્યાગ કર્યો તેથી વલવલતી જેવી ઉત્કૃષ્ટ બાળા પ્રાયશ્ચિત્તવનમાં અટવાઈ; સમુદ્રનાં મોજાં એક ઉપર એક એમ અાવ્યયાં જ જાય તેમ રહી રહીને રોવા લાગી; જાગૃત સ્વપ્નમાં માએ કહેલાં વચન અને બાપે આપેલો ઉપદેશ સંભારી સંભારી પોતાના પુત્રીપણામાં ખરેખરી ન્યૂનતા આવી જાણી પોતાને વારંવાર ધિક્કારવા લાગી; તે વચન અને તે ઉપદેશોના અક્ષરે અક્ષરમાં રહેલું ગંભીર સત્ય પ્રત્યક્ષ કરી કંપવા લાગી : પતિથી, પ્રિયથી, માથી, બાપથી, વિશુદ્ધિથી, અને ઈશ્વરથી પણ પોતે વિખુટી પડી એકલી અનાથ બની હોય તેમ ટળવળવા લાગી; અને “એ સર્વે | સ્વજનની સ્વીકારવા યોગ્ય, હવે હું કદી પણ થઈશ ?” એવું મનને સુકાઈ જતે મ્હોંયે મનાવતી પુછવા લાગી. “હું અપરાધી કોઈને મ્હોં શું દેખાડું ?" કરી લજજાવશ બની ધરતીમાં પેંસી જતી હોય તેવા વિકારનો અનુભવ