પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬

થયો. “આટલો અપરાધ ક્ષમા કરી હવે મને સ્વીકારો” એમ દીનવદનથી ક્‌હેતી ભાસી. અંબારૂપ ઈશ્વરને કે પછી પોતાની માને કાલાવાલા કરતી હોય – “તે હવે કોઈપણ સ્થળે દેખાય છે?” એમ કરી સર્વત્ર જોતી હોય – તેમ આંસુભરી લવી:

“અંબા, એ મ્હારી રે,જોજે તું પદ નિજ ભણી;
“કર્યા તે મ્હારા સામું રે – જોઈશ ન તું મુજ ક૨ણી?”

વળી ગદ્‍ગદ કંઠે ગાવા લાગી:

“ત્હેં તો મને દીધી રે આવી માનવી કાયા, માત!
“તે તું ન ત્યજ મુને રે, ત્હારાવણ હું કરું રે વલોપાત-
"વહાલી મ્હારી માવડી ! ૧.
“દશે એ દિશાઓએ રે, મા ! હું જોઉ તે ત્હારો પંથ-
"તું વણ તે દેખાડે રે કોણ કે આમ થાવું સંત?
"સઉ સુનું માવિના ! ” ૨.

"ઓ મા ! ઓ મા !” કરતી કરતી શુદ્ધ પવિત્ર બનતી બનતી કુમુદસુંદરી અશ્રુસ્નાનથી સંસ્કારી થઈ. રોવું છોડી ગંભીર થઈ અને સ્વાધીન દશા પામી.

વસ્તુ, વૃત્તિ, અને શક્તિ એ ત્રિપુટીનો યોગ પ્રવૃત્તિ-નિવૃત્તિનો સાધક છે. સૃષ્ટિના સર્વે પદાર્થો પેઠે એનો પણ સદુપયોગ તેમ જ દુરુપયોગ થાય છે. તે સર્વ ઘટનાનો સૂત્રધાર શું ધારે છે તે તો ક્‌હેવાઈ શકાતું નથી, પણ તેની ઈચ્છાને અધીન ર્‌હેતી કોઈક જાતની સ્વતંત્રતા માનવીમાં છે અને તે સ્વતંત્રતાની પ્રવૃત્તિ ઉપર જ કર્મમાત્રની શુભાશુભતા કલ્પાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ, સત્ અથવા કલ્પિત વસ્તુ ભણી માનવીની વૃત્તિ ખેંચાય છે અથવા જાય છે અને તેમ થવામાં શક્તિ ઓછીવૃત્તિ સાધક અથવા બાધક થાય છે. શક્તિ જડ અથવા ચેતન અંશની હોય છે. જડશક્તિનો ઉપયોગ વૃત્તિને અનુસરનાર જ હોય છે. ચેતનશક્તિ બુદ્ધિને અનુસરી વૃત્તિને અનુકૂળ અથવા પ્રતિકૂળ થાય છે. પૃથગ્જન[૧] તેમ જ કેટલાક બીજા એમ માને છે કે સ્વતંત્રતા એટલે જડ-શક્તિથી નિરંકુશતા. કેટલાક એમ માને છે કે સ્વતંત્રતા એટલે ચેતનશક્તિની નિરંકુશતા. જડશક્તિ પશુઓને અને પશુવૃત્તિના સંસ્કારી માનવી એને વધારે પરિચિત હોય છે અને તેની સંવૃદ્ધિ સુલભ છે. ચેતનશક્તિની સંવૃદ્ધિ દુર્લભ છે અને સદ્‍બુદ્ધિને અનુસરવામાં વપરાતી હોય ત્યારે તે શક્તિ જય પામે તે તો પવિત્ર સુખ અને ઈશ્વરપ્રસાદની પરિસીમા છે.


  1. ૧ સાધારણ માણસો. Vulgar people.