લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭

પરગૃહમાં આ દશા ઉઘાડી પડે – કોઈ દ્વાર ઉઘાડે – તો શી અવસ્થા થાય તેનો વિચાર કરવા અવસર ન હતો. ઘટિકાયંત્રને કુંચી આપતાં અત્યંત સંકોચાતી કમાન અચીંતી કડાકો કરી છુટે તેમ પોતાના મેડીમાં અાવેલીના મનમાં પત્રદ્વારા દુઃખતી કુંચી ફેરવતો ફેરવતો સરસ્વતીચંદ્ર અાખા દિવસ અને રાત્રિનાં વિવિધ દુ:ખો ખમી થાકેલી નિઃશ્વસ્ત બની દુ:ખ-દુ:સહ થતાં મૂર્ચ્છિત થઈ પડેલીને જોઈ ચમક્યો અને શું કરવું તે તેને સુઝયું નહીં. વિચાર અને વિકાર પોતે કરેલી હાનિથી ઓશીઆળા બની નાશી ગયા. ખાટલાના પાયા આગળ નિર્માલ્ય કુસુમમાળા પેઠે પડી રહેલી કુમુદસુંદરીના મુખ આગળ બેઠો. લોકવ્યવહારની નીતિ ભુલી જઈ તેની મસ્તકકળી ખોળામાં લેઈ આસનાવાસના કેવી રીતે કરવી તે વિચારવા લાગ્યો; – વિચારતાં વિચારતાં પોતે વ્યાવહારિક નીતિથી વિરુદ્ધ ચાલે છે તે ભાન આવ્યું, પરંતુ તે નીતિને આ વેળા આપ્રાસંગિક ગણી, અવગણું. અવગણી તે છતાં ગણી પણ ખરી. આશ્વાસક હાથ મૂર્ચ્છિત મુખ ઉપર ફરવા ગયો પણ અટક્યો અને માત્ર જડ કેશાભારને ટેકવી રહ્યો. હવે શું કરવું તે ન સુઝહ્યું. શું બોલવું – મૃર્ચ્છા કેમ વાળવી તેને ઉત્તર બુદ્ધિએ ન આપ્યો. પોતાની મેડીમાં કોઈ ને બોલાવવું પણ શી રીતે ? સર્વથા સર્વે ઉપાય પરવશ રહ્યા.

અંતે પ્રસંગે આપેલી બુદ્ધિને બળે મૂર્ચ્છિત કાનમાં નિ:સ્વર શબ્દ ક્‌હેવા લાગ્યોઃ “કુમુદસુંદરી ! કુમુદસુંદરી ! ઉઠો ! ઉઠો ! આમ શું કરો છો ? આપણી બેની વિનાકારણ ફજેતી થશે ! – અસત્ય આરોપ આવશે. સાચી વાત કોઈ માનશે નહી !” ઘણા ગુંચવારામાં પડી આનું આ સરસ્વતીચંદ્ર વારંવાર ક્‌હેવા લાગ્યો, પણ કુમુદસુંદરી જાગી નહી.

રાત્રિ જતી હતી તેમ તેમ ઘરમાં વહેલાં ઉઠનારાંને ઉઠવાને સમય પાસે આવતો હતો. મૂર્છા જોઇ સ્નેહશોકમાં પહેલા હૃદયમાં ભય પણ પેઠું અને સૂક્ષ્મ વિષયોનું ભાન જતું રહ્યું. સરસ્વતીચંદ્રે ઉતાવળ કરવા માંડી અને કુમુદસુંદરીનું મુખ તથા હાથ ઝાલી ધીમે ધીમે ઢંઢોળવા મંડ્યો.

કુમુદસુંદરી ભૂમિ ઉપર બેભાન પડી હતી અને શું થાય છે તે જોવા કે જાણવાં અશક્ત હતી. શીયાળામાં અત્યંત શૈત્ય પડવાથી પ્રાણ તજી ન્હાની ચકલી ભૂમિ પર પડી હોય અને ત્હાડથી સંકોચાયેલાં છતાં પણ તેનાં વીખરાયલાં નાજુક પીછાં ખરી પડવા જેવાં લાગતાં હોય તેમ ન્હાની સરખી બાળક જેવી દેખાતી કુમુદ પડી હતી અને તેનું વસ્ત્ર શરી૨પ૨