" કેમ ?-” ચમકીને સરસ્વતીચંદ્ર બો૯યો.
“ અત્યારે ભાઈસાહેબ દરબારમાં ગયા છે - પણ બીજી નવાજુની કરીને ગયા છે. પદ્માની અને કૃષ્ણકલિકાની વાત –”
“ શાની વાત ? હું કાંઈ સમજતો નથી.”
રામસેને વીગતવાર સમાચાર કહ્યા. પ્રમાદધન બાબતની બેયે વાતો બુદ્ધિધન પાસે ગઈ હતી. પુત્રની કુચાલ સાંભળી પિતાને અત્યંત ખેદ થયો અને આવા પવિત્ર કુળમાં આવો અંગારો કયાંથી ઉઠ્યો એ વિચાર થયો. કૃષ્ણકલિકાનો વર પ્રમાદ ઉપર ચ્હીડાઈ રહ્યો હતો તે ખબર પડતાં તેને બોલાવ્યો અને તેને સારી પેઠે દીલાસો આપી બુદ્ધિધને પ્રમાદધનને શિક્ષા કરવાનું કહ્યું હતું. શિક્ષા હજી કરી ન હતી પણ વાત પ્રમાદધનને કાને ગઈ અને તેથી તે ઘણો ખિન્ન બની ગયો. નરભેરામ પાસે પિતાજીની ક્ષમા મંગાવવા વિચાર કર્યો પણ મ્હોટી વયના માણસ – શ્વાસે મન ઉઘાડ્યું નહી. આથી 'નવીનચંદ્ર' સાંભર્યો અને તે જ કામને અર્થે તેને બોલાવવા રામસેન આવ્યો હતો.
" ભાઈ રામસેન, આ વખત આવ્યો છે તેનું કારણ તું પોતે છે. ભાઈને ખરાબ ટેવ ત્હેં પાડી છે. ભાઈ નહીં સુધરે તો એને તો થવાનું થશે પણ ત્હારો રોટલો ગયો સમજજે. જા, જઈને તું જ ભાઈને સુધાર. આવા વિષયમાં હું વચ્ચે નહી આવું. ભાઈસાહેબ જે કરશે તે વિચાર કરીને જ કરશે. હું આવીશ તો બીજું તે ક્હેતાં કહીશ પણ પ્રથમ તો એ જ કહીશ કે તને ક્હાડે. માટે જા, મને બોલાવ્યામાં સાર નથી. પ્રમોદભાઈને ક્હેજે કે સુધરે અને પિતાના જેવા થાય. અત્યારે એ જે શિક્ષા કરશે તે હજાર વિચારે કરીને કરશે. જા, હું આવવાનો નથી.”
નીચું જોઈ બોલ્યા ચાલ્યા વિના રામસેન ચાલ્યો ગયો.
મૂર્ખદત્ત પાછળ છાનોમાનો ઉભો હતો તે આગળ આવી બોલ્યો: “આમાંથી કાંઈ નવુંજુનું નકકી થશે. આવી વાતની ભાઈસાહેબને બહુ ચ્હીડ છે અને ઉતાવળું કામ કરશે તો ભાઈ ઝેર ખાય એટલા શરમાળ છે. મ્હોટાં માણસોને કોણ ક્હે કે આમ કરો ? – વારુ, નવીનચંદરભાઈ ગાડું એક બારણે ઉભું રાખ્યું છે. પણ ભદ્રેશ્વર જ જશે એ નકકી નથી.”
સરસ્વતીચંદ્રનો પીત્તો ઉકળ્યો હતો. કાંઈક રોષભર્યે સ્વરે તે બોલ્યો:–“ ભદ્રેશ્વ૨ ઉંઘી ગયા – મ્હારે તો ગમે ત્યાં પણ જવું એટલી જ વાત છે - ગમે ત્યાં જઈશ મ્હારી મેળે : જયાં ગાડું ત્યાં હું. મ્હારે તો માંત્ર અહીંથી જવું છે.”