લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦

કોમળ અને શારીર દુ:ખને અપરિચિત સરસ્વતીચંદ્ર શોકવિચારમાં પડી પગથી માથા સુધી પોતીયું હોડી સુઈ ગયો. સ્વરથી ભરાતા, તાપથી ઉકળતા, ધુળથી ગુંચવાતા, અને પરાળના ખુંચવાથી કાયર થતા મસ્તિકમાં કંઈ કંઈ વિચાર વિચિત્રરૂપે ઉત્પન્ન થયા. પાછળ કપાતો તપાતો માર્ગ મીંચાયેલી આંખમાં લાંબી નાળ જેવો લાગ્યો અને તેમાં ધુળના રંગના વચ્ચે વચ્ચે ભડકાવાળા લાંબા આકાર લેખાતા લાગ્યા. એ અાકાર ઘડીક અાસપાસના ઝાડ જેવા, ઘડીક માથે તપતાં વાદળાં જેવા, અને ઘડીક હોડેલા ધોતીયાનાં તન્તુજાળ જેવા દેખાવા લાગ્યા. બળદ હાંકતા ગાડીવાનના ડચકારા, બળદ સાંભળી સમજતો હોય તેમ તેને ગાડીવાન ક્‌હે તો તે કઠોર શબ્દ, સળગતા ભડકા જેવા આકાશમાં ઉડતા સમળાઓ અને સમળીયોની લાંબી કઠોર ચીસો, સુડીથી કપાતાં લક્કડીયા સોપારી જેવા અચીંતા કાનપર ભચકાતા કાગડાના “કાકા” શાયદ, હોલા અને કાબરોના વનમાં પડઘા પામતા - કાનની ભુંગળીમાં ફુંકાતા - સ્વર, ચકલીયોના ઝીણા ચીચીકાર, કોણ જાણે ક્યાં સંતાઈ રહેલા અંધ ઘુવડના ગેબી અને ભયંકર પોકાર, ઝાડ પર ખસતી કુદતી ખીશકોલીયોના ઉષ્મ પ્લુત સીકાર, અને ગાડામાં ઘડીયે ઘડીયે ભરાતાં ઝાંખરાંના ઉઝરડા: આવા આવા અગણિત શબ્દો કર્ણવપ્નો રચવા લાગ્યા. જેમ તાપના હાડકા હોડેલું ધોતીયું અને મીંચાયેલી પાંપણને ભેદી અકળાતી કીકીયોમાં દાખલ થતા હતા અને હોડેલા વસ્ત્રને ભેદી ઉષ્ણતા ત્વચાને પરસેવાથી ન્હવરાવતી હતી, તેમ જ અા સર્વ સ્વર સુવા ઇચ્છતા કાનને ઉંઘવા દેતા ન હતા. ઢાળ ઉપર અાવતાં ગાડાના હેલારાથી શરીર આમથી તેમ ભચકાવા લાગ્યું.

આ સર્વ અવસ્થાની વચ્ચોવચ મસ્તિક નવરું ન પડ્યું. બોલ્યા વિના કુમુદસુંદરીવાળા કાગળમાંની કવિતા ગાઈ: “કુમુદસુંદરીને ભદ્રેશ્વ૨માં પાછું મળવાનું થશે ? હું ભદ્રેશ્વર ન જ જાઉં તો ? શું મને મળવા આવેલાંને મ્હારે ન મળવું ? મનોહરીયામાં ૨હીશ અને એ સુવર્ણપુર જશે ત્યારે વચ્ચે - ત્યાં - અટકાવી મળીશ. પિતાની ખબર એ અાપશે. પિતાને હું સાંભરતો હઈશ ? એમની શી અવસ્થા હશે ? મુંબાઈ પાછાં જવું ? ન જવું. ત્યારે ચંદ્રકાંતને શું ક્‌હેવું ?”

“ કારભાર કેમ મળે છે - દેશી કારભારીઓ કારભાર કોને ક્‌હે છે તે તો જેયું. પણ એ રાજ્યોમાં રાજ્યતંત્ર કેમ ચાલતાં હશે – લોકની અવસ્થા કેવી હશે ? - આ સર્વ જોવાનું રહ્યું, સુવર્ણપુરને તો તજ્યું જ. રત્નનગરી જઈને જોઉં ? આ ગાડું ત્યાં જ જાય છે તો ? ”