અને શીકારટોળું નજરબ્હાર-ક્રમ[૧] બ્હાર - ન થઈ જાય એ સરત રાખતા સિંહની પેઠે, જાગતો હતો; અને સુવર્ણપુરનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય, પોતાનો અમલ સ્થિર ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય, અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાની અને પોતાના સ્વજનની કામધેનુ થઈ ર્હે: આવા વિચાર બુદ્ધિધનની અાંખ આગળ ભૂત પેઠે નાચ્યાં કરતા, અહોનિશ તેને ઉજાગરો કરાવતા, બીજા કોઈ પણ વિષય પર તેનું નેત્ર પડતાં તેમાં અંધારાં આણતા, તથા નિરંતર ચિંતામાં અાનંદમાત્રને લીન કરતા, અને આ તેના મહાયોગને જોઈ શકવા – પરખી શાકવા – જડ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી.
બુદ્ધિધનના ચોથી પાંચમી પ્હેડીના પૂર્વજો સુવર્ણપુરના કારભારીયો હતા; અને કારભાર ગયા પછી ન્હાનામાં ન્હાની નોકરીને પણ હાથમાં રાખી દરબારમાં પગ રાખવો એ નીતિ તેના કુટુંબે ૨ાખી હતી. પ્હેડીયે પ્હેડીયે તો શું પણ એક જ પ્હેડીમાં કાળચક્રના વારા ફેર બદલાયા હતા અને શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભશ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે હિંદોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન - ખાનદાનની ખુમારી – અને તે ગુણની પાછળ ખેંચાતા ગુણો વિના બીજું કાંઈ મળ્યું ન હતું. પરંતુ તેની મા ઘણી બુદ્ધિવાળી, ડાહી, તથા ગરીબ આવસ્થામાં ઘર-રખણી અને સારી અવસ્થામાં ઉદાર રહી શકે એવી હતી; અને એવું કહેવાતું કે તે પુરુષ હત તો આ 'કારભારી' કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઈના અા ઉજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિનપર દિન વૃદ્ધિ થતી જોઈ નિર્ધન માતા પિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતાં હતાં. મહારાજ શિવાજીને જીજીએ ઉશ્કેર્યા હતા તેમ બુદ્ધિધનની પાસે તેની મા ન્હાનપણામાંથી રસભેર વાતો કહી બતાવતી હતી કે એક દિવસ રામરાય અાવી રીતે કારભારી થયા, લક્ષમણચંદ્રે ન્હાની ઉમરમાં રાણાની પ્રીતિ મેળવી હતી, અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલા ધન મેળવ્યું હતું, કુટુંબને તારી દીધું હતું, અધિકારીયોમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્ર ચિત્તથી બોલ્યાચાલ્યા વિના સાંભળતો. માની વર્ણનશક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઉભરાઈ જતાં સ્ત્રીભાષાનું કોમળપણું તથા સંસ્કારીપણું તેમ બ્હેંકી ર્હેતું. સુંદર અને લલિત સ્ત્રીએ
- ↑ ૧ - કુદકો.