લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

ઘેર ગયો. તેના અંતઃકરણમાં પશ્ચાત્તાપ અગ્નિ પેઠે સળગ્યો. બાઈમાણસ સાથે એકાંતમાં હવે ન રહેવું એવી મનમાં ગાંઠ વાળી. વળી કલ્પનાશક્તિ જાગી અને બનેલા બનાવનો ચીતાર પ્રત્યક્ષની પેઠે મન આગળ ખડો થયો અને સરી ગયલા છેડાવાળી- ટકટક જોઈ રહેતી- ઉઠતી - હાથમાં હાથ મુકતી – આતુર મુખવાળી રાજબા તેના મન આગળ આવી ઉભી રહેતી અને તેના સુવિચારને હાંકી મુકતી. આમ કરતાં કરતાં ઘરમાં આવ્યો. માતુ:શ્રી બેઠાં હતાં તેમનું મુખ એવું ને એવું છતાં બુદ્ધિધનને જુદું લાગ્યું. પોતે ભ્રષ્ટ અને અપરાધી હોય તેમ છેટે ઉભો રહ્યો અને માતુ:શ્રીના પવિત્ર પ્રતાપી મુખ સામું જોઈ ન શક્યો. શયનગૃહમાં ગયો ત્યાં નિર્દોષ સૌભાગ્યદેવી હસતી હસતી સામી આવી અને કણ્ઠે હસ્તદાન કરી પતિવ્રતા પતિને સ્નેહસત્કાર દેવા લાગી. પોતાના સ્પર્શથી તેને દૂષિત કરતો હોય તેમ આ સત્કારનો પ્રત્યાઘાત ન વાળતાં પોતે સ્તબ્ધ ઉભો રહ્યો અને મનમાંથી સ્પર્શ ન કરતો હોય એવી વૃત્તિ અનુભવવા લાગ્યો. અા મ્હારી દેવી–મ્હારી ધર્મપત્ની એની મ્હેં અવગણના કરી એમ ગણી પશ્ચાત્તાપના અગ્નિમાં બળવા લાગ્યો. વળી એના પવિત્ર નિર્દોષ મુગ્ધ મુખ સામું જોઈ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો. હજુ સુધી અા મ્હારીપાસે ઉભેલો પતિ આવો દુષ્ટ છે એ અા જાણતી નથી એવી પ્રતિભા જાગી. વળી એના મુખ ભણી જોઈ રહ્યો – તેમાં કાંઈક નવીન સુંદરતા લાગવા માંડી. તેની સાથે રાજબાનું મુખ સરખાવવા લાગ્યો - અાખરે નક્કી થયું કે સૌભાગ્યદેવીની કાન્તિ અાગળ રાજબા કાંઈ લેખામાં નથી. આવી હલકી સ્ત્રીપ૨ પોતે ઘડીક પણ મોહિત થયો તે સારુ પોતાની કમઅક્કલ પર તિરસ્કાર કરવા લાગ્યો. બુદ્ધિ શાથી ગુમ થઈ ગઈ અને આ હંસીને મુકી કાગડીપર મન કેમ ગયું એ બાબત બહુ આશ્ચર્ય લાગવા માંડ્યું. અંતે આ પવિત્ર પતિવ્રતા – મ્હારી દેવી – તે જ મ્હારા નેહને યોગ્ય છે એમ ગણી તેના સ્નેહને ઉત્તર દેવા બુદ્ધિધનનું અંતઃકરણ તત્પર થયું. હવેથી ભૂપસિંહને ઘેર જવું નહી અને જવું તો રાજબા પાસે અથવા એકલાં બેસવું નહી એવો પાકો ઠરાવ કર્યો અને ઈશ્વરે આવી રીતે ગમે તેમ પણ મહાપાપમાંથી ઉગાર્યો માટે તેનો આભારી બની ગયો અને મન મર્દન કરાવી સ્નેહ–તેલ–ચોળાવી ન્હાયું હોય તેમ નિદ્રાવશ જેવું લાગતાં – મનનો ધણી – મનસ્વી પતિવ્રતાની પવિત્ર પાવક અને શાંત સોડમાં ઘસઘસાટ ઉંઘી ગયો. ઉંઘમાં માત્ર તેને જ જોઈ રહ્યો. એના એક સ્વપ્નમાં તો “હૃદય-મન્દિર” નામનાં વિશાળ મન્દિરનાં સિંહાસન પર સૌભાગ્યદેવી બેઠેલી, તેના મુખ આગળથી ચંદ્રમાના જેવા કોમળ કિરણ ફૂટતા હતા, બુદ્ધિધન પોતે પોતાને કૃતાર્થ અને ભાગ્ય-