પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

અને વાતચીતને માત્ર મોજશોખના વિષયનું જ સંગ્રહસ્થાન થવા દીધી. સદાશિવ દારુનો વ્યસની હતો. તે વ્યસનમાં ભૂપસિંહને પડવા દીધો. સદાશિવ સ્ત્રીલંપટ હતો અને નિશાચરવૃત્તિ રાખતો. આ નિશાચરવૃત્તિનો લાભો લેવા ભૂપસિંહને પોતાની મેળે સુઝે એવા પ્રસંગ બુદ્ધિધને જાતે તટસ્થ ૨હી ઉત્પન્ન કર્યા. ગરાસીયો દક્ષિણીને ત્યાં રાતદિવસ પડી રહેવા લાગ્યો, અને સદાશિવ દિવસે કચેરીમાં જાય અને રાત્રે બહાર જાય તે વખત તેની સ્ત્રી ૨માબાઈ સાથે ભૂપસિંહે ગાળવા માંડ્યો. બુદ્ધિધન ભૂપસિંહને ઘેર જાય તો મેળાપ થવો મુશ્કલ થવા લાગ્યો અને ત્યાં ઘડી બે ઘડી એકલો બેસી વાટ જોઈ પાછો જતો અને માત્ર શું થાય છે તે નજરમાં રાખતો. ભૂપસિંહની સ્ત્રી રાજબા આજસુધી તો સુપાત્ર રહી હતી. બુદ્ધિધન બાબત તેના મનમાં ઉંચો વિચાર હતો, અને બેમાંથી એક્કેના મનમાં કુબુદ્ધિ હતી નહી. પરંતુ ભૂપસિંહ બ્‍હાર રહેતો એટલે હવે આ બેની એકાંત વધારે થવા લાગી. પતિની કુચાલ સાંભળી રાજબાને અસંતોષ અને ઈર્ષ્યા ઉત્પન્ન થયાં, અને મનના વલણે તેને એવી બુદ્ધિ સુઝાડી કે હવે પત્નીધર્મ પાળવા હું બંધાઈ નથી. અાથી તેને મોહ થયો અને એક દિવસ બુદ્ધિધન એકલો બેઠો છે અને રાજબા બેઠી છે, વાતો કરતાં કરતાં થોડીકવાર તે છાની રહી, અને કાંઈક મનમાં અાવ્યું એટલે થોડીવાર બુદ્ધિધન સામું જોઈ ૨હી અને બુદ્ધિધન તેના સામું જોતાં તેના વિકાર કળી ગયો – અને તેની પવિત્રતા ડગમગવા લાગી. તે ઉઠ્યો – તે ઉઠી. પોતાની ઈચ્છાવિરુદ્ધ – કોઈકનાં ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય તેમ બન્ને જણે એકમેકની હાથેલીમાં હાથેલી મુકી. બન્નેની નાડીયો વેગવાળી થવા લાગી અને છાતીયો ધબકવા લાગી, બન્નેનાં શરીર કંપવા લાગ્યાં, વિચાર-વિવેક હોલાઈ ગયાં, મ્હોં બ્‍હાવરાં બની ગયાં, શરીર તાવવાળાં થઈ ગયાં, અને સમયનો પ્રેર્યો રાજબાની છાતીપરનો છેડો સરી ગયો. એટલામાં કાંઈક આકસ્મિક ધબકારાનો અવાજ થયો – પરવશ થયલાં બન્ને જણ ચમક્યાં, હાથમાંથી હાથ પડી ગયો. 'કાલ અાવીશ' કહી બુદ્ધિધન વિચારમાં પડી ઘરભણી ચાલ્યો અને તેને પાછો ખેંચવા-બોલાવવા દિઙ્‌મૂઢ અને પરવશ રાજબાએ હાથ લાંબો કર્યો - મ્હોં પહોળું કર્યું અને વળી તુરત જ બંધ થઈ ગઈ અને પોતાને ઠેકાણે જઈ બેઠી તથા થોડીવાર વિચારશુન્ય પડી – વિચારમાં પડી આખરે છાની માની રોઈ પડી, અને અંતે નવો અવતાર લીધો હોય એવી મનમાં બની – વિહ્‌વળ મનથી પોતાને કામે પડવા યત્ન કરવા લાગી.

બુદ્ધિધન આ બનાવને આપત્તિરૂપ ગણી શોકમાં ડુબી ફીક્કે મ્હોંયે