પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૨

તે સ્ત્રીની પેઠે કેડે અર્ધચંદ્ર કરી મુક્યો. છાતી કહાડવા ગઈ, પણ અણધાર્યો દેખાવ દીધો અને છેતરાઈ. વળી અાંખ ઢાંકી ન ૨હી.

“રાજસિંહ ! હું તમારે વાસ્તે દીલગીર છું. ભૂપસિંહને લીધે મ્હારો તમારો સંબંધ છે અને ભૂપસિંહને અળગા રાખી તમારીસાથે સ્વતંત્ર સંબંધ બાંધવાથી તમારા કે મ્હારા હકમાં સારું નથી. તમે ભૂપસિંહને પાછા હાથમાં લ્યો અને હું તમો બન્ને દોસ્તોને અધીન છું. ભૂપસિંહ તમને જાતે જ મદદ આપે તે વધારે સારું છે.” ઘણીક હીમ્મત અાણી બેશરમ જેવો દેખાઈ બુદ્ધિધન બોલ્યો.

“અને તમારો કોલ ! તમારો બોલ ! તમારું વચન !”

“હું બહુ દીલગીર છું. ભુલમાં બોલેલું પળતું નથી. વધારે મ્હોટા કોલને લીધે આ બોલ તોડવો પડે છે.”

“પણ કાંઈ મ્હારો વિચાર કર્યો ?”

“તમારો પણ સારો જ વિચાર કર્યો છે.”

“તમે નક્કી કહો છો ? સરત રાખજો.”

“હા. નકકી.”

"ફરી વિચાર કરો."

“ પુરો વિચાર કર્યો છે. રામ રામ”– કરી ગભરાયલો બુદ્ધિધન ઉઠવા લાગ્યો.

“હવે જાણ્યો જાણ્યો તમારો વિચાર” – કરી રાજબાએ બુદ્ધિધનનો હાથ ઝાલી એક ઉંચો તકીયો પડ્યો હતો તે પર બેસાડ્યો અને તેના શરીર સરસી જઈને શરીર ચાંપતી ઉભી. કોણ જાણે ક્યાંથી તેનામાં આ હીમ્મત આવી. રજપુતાણી ! ગજબ કર્યો ! બેસતો બેસતો, હાથ લેઈ લેતો, શરીર સંકોચતો બુદ્ધિધન બોલ્યો: “રાજ – હવે બસ થયું. મને ભૂપસિંહ મારફત બોલાવજો. હું આવીશ.”

“એની બ્‍હીક લાગે છે ?” કહી રજપુતાણીએ ભ્રુકુટી ચ્‍હડાવી અને તિરસ્કારભર્યું હાસ્ય કરવા લાગી અને નીચી નમી, બેઠેલા ઉઠતા બુદ્ધિધનના ખભા ઉપર હાથ અને હડપચી મુકતી અડોઅડ ઉભી.

"બ્‍હીક ઈશ્વરની ! બીજા કોઈની મને નથી.”

નહી ચાલે જાણી રજપુતાણી ડોળા ફેરવતી ઉઠી.

“ઠીક છે. ઈશ્વરની બ્‍હીક રાખો. ભૂપસિંહના બોલાવ્યા આવજો. પણ કોલ પળાવું ત્યારે હું રજપુતા–ખરો. વારી જાઉ છું.” એમ