કહી હાથ તરછોડી, પોતાને શરીરે બુદ્ધિધનના શરીરને ધક્કો મારી રુઅાબબંધ ૨જપુતાણી ચાલી ગઈ.
સહજ વિચાર અને આશ્ચર્યંમાં પડી બુદ્ધિધને અા સ્વપ્ન સ્મરણમાંથી હાંકી મુક્યું અને કામે લાગ્યો – જાણે કે કાંઈ બન્યું જ ન હોય ! ભૂપસિંહને ઘેર જવું તરત તો એકદમ બંધ કરી દીધું. છેક સુવર્ણપુર સુધી કર્ણોપકર્ણ આ ન્હાની સરખી વાત ઉડી. જગત માનવા લાગ્યું કે કાંઈક કારણથી ભૂપસિંહ અને બુદ્ધિધનની મિત્રતા તુટી, અને કારણ વિષે ગણદેવીએ શેષનાગ જેવા લોકની જીભો ઉપર હજારો ખુલાસા મુક્યા. બન્ને મિત્રો રસ્તામાં મળતા તે માત્ર લટકસલામ થતી.
ભૂપસિંહ અને સદાશિવ બેને જુદા શી રીતે પાડવા અને ગરાસીયાને ગરજીલો શી રીતે કરવો તે હવે બુદ્ધિધનનું ગુરુકાર્ય થઈ પડ્યું. એ બેનો સંબંધ કરવામાં પોતે ભુલ કરી એવું સ્પષ્ટ દીસવા લાગ્યું. અને હવેથી કોઈનો પણ વિશ્વાસ ન રાખવો, કોઈને પણ સારો ન ગણવો, અને પોતાનું તંત્ર કોઈના હાથમાં જવા ન દેવું એવો મ્હોટો ઉપદેશ અાટલી ન્હાની બાબતમાંથી લીધો. ગરાસીયાને પોતાના કાર્યનું સાધન બનાવવા હાથમાં લેવાની જરુર લાગી પરંતુ તેને પણ પોતાનો ન ગણવો એવો નિર્ણય કર્યો. તેમ જ એ પણ શીખામણ મળી કે ભૂપસિંહને ખોટે ૨સ્તે ન પાડવો, કારણ ખોટે રસ્તે પડનાર માણસ પાડનારની પણ લગામમાં આગળ જતાં રહી શકતું નથી એ અનુભવસિદ્ધ થયું. કદાચિત્ લગામમાં રહે પણ તેમ કરવાને પોતાને નીચે રસ્તે જવું પડે એ પણ ખરાબ વાત. જો બુદ્ધિધન રાજબાની વૃત્તિમાં સામેલ થયો હત તો ભૂપસિંહને અાંગળીના ટેરવા પર રમાડી શકત, પરંતુ તે વિચાર શુદ્ધ અંતઃકરણમાંથી પારાની પેઠે સરી જતો.
એક દિવસ બુદ્ધિધન સાહેબની કચેરીમાં ચાલ્યો જાય છે ત્યાં પોતાનાથી અાગળ ભૂપસિંહને જતો દીઠો. રસ્તામાં સદાશિવનું ઘર અાવ્યું. મેડીયે બારી પર રમાબાઈ ઉભી હતી. નીચે આવી તેણે બારણું ઉઘાડ્યું, ભૂપસિંહ અંદર ગયો. બારણું બંધ થયું, અને બુદ્ધિધન તેની આ દશા જોઈ નિ:શ્વાસ નાંખી ચાલતો થયો. કચેરીમાં જઈ પોતે બેઠો તો ખરો પણ મન ચંચળ થયું હતું. એટલામાં સાહેબે બુમ પાડી- “ બુદ્ધિધન !” એકદમ ઉઠી બુદ્ધિધન ત્યાં ગયો.
સાહેબ એક ટેબલ પાસે ખુરસી પર પીછું મ્હોંમાં ઘાલી બેઠા હતા અને એક દફતર લેઈ સામે બીજી ખુરસી પર સદાશિવ : બેઠો હતો.