“હવે એ મશ્કરી જવા દ્યો. શું ધાર્યું તે ક્હો.” બન્ને જણ શાંત
અને ગંભીર બની ગયા અને બુદ્ધિધને ભાષણ આરંભ્યું.
“રાણાજી ! ઇચ્છાઓ ઉતાવળથી અને ધીરે ધીરે બે રીતે પાર પડે છે. પરંતુ ઉતાવળથી ફાલેલી વનસ્પતિ તરત સુકાઈ જાય છે. અને ધીરે ધીરે ઉગતા વૃક્ષનાં મૂળ જમીનમાં ઉંડાં ઉંડાં પેસે છે. દાખલો જુવો. શઠરાયનાં મૂળ કેટલાં ઉંડાં છે ? આપ ગાદીએ બેઠા ત્યારે સર્વે અધિકારી મંડળ એનું હતું. રાજ મહેલનાં માણસો એનાં જ હતાં. એજંસીમાં અને મુંબાઈ સરકારમાં તે પંકાયેલો છે. છાપાંઓમાં તેની કીર્ત્તિ ઘણી છે. બાસ્કિન સાહેબને ઠેકાણે રસલ સાહેબ આવ્યા તેમનો એના ઉપર વિશ્વાસ જણાય છે. મને પણ પોતાનો કરવા એણે કેટલી યુક્તિયો કરી છે ? જો એને આપણે એકદમ ક્હાડ્યો હત તો એ કોચેલું ગુમડું ભરનીંગળ થઈ જાત. હજારો તરકટ રચત, ખટપટો ઉભી કરત, રાજ્યમાં અને સરકારમાં શક્તિ અજમાવી વિધ્નો નાંખત ! તમારી પ્રતિષ્ઠાનો ઉગતી અવસ્થામાં નાશ ક૨ત. એમ શું શું ન થાત ! એ સઉ ઉતાવળથી થાત.”
“ હાસ્તો ? ખરી વાતઃ ” નરમ બની ભૂપસિંહ બોલ્યો, અને ફુંફાડા મારતો ૨જપુતનો મીજાજ સાંડસામાં અાવ્યો જોઈ તેને યોગ્ય ઠેકાણે આણવા ચતુર પકડનાર ધીરજથી યત્ન કરવા લાગ્યો.
“ત્યારે એનાં ઉંડાં ગયેલાં મૂળ પૂરેપુરાં ઉખાડી નાંખી આપણાં મૂળ ઉંડાં નાંખવાં એમાં બહુ વખત જોઈયે, અને બહુ ધીરજ જોઈયે.”
રાણો જરાક નિરાશ દેખાયો અને નરમ બની તકીયા પર પડ્યો.
“પણ હવે અડચણ નથી. આપણું કર્ત્તવ્ય કામ ઘણું ખરું થઈ ગયું છે. ઈમારતનું ખોખું તૈયાર થઈ ગયું છે અને ઈંટો ચણાઈ ગઈ છે. હવે તો ઉપરઉપરનું કામ બાકી છે–માત્ર 'પલાસ્ત૨' કરવું અને એવું એવું કરવાનું રહ્યું છે.”
ભૂપસિંહ પાછો ટટાર બેઠો અને બરોબર ધ્યાન આપવા તત્પર થયો અને બોલ્યો, “ ઠીક, ચાલો.”
બુદ્ધિધને અલંકારશાસ્ત્ર પડતું મુક્યું અને સ્વાર્થ-વાર્ત્તાના ૨સમાં ડુબતા રાણાની આંખ આાગળ હકીકતની કાયા ઉઘાડી કરવા માંડી.
“મ્હારો અને આપનો સંબંધ એ હવે ઢાંકી શકાય એમ નથી. હું આપની સાથે આવ્યો ત્યારથી એ વાત સઉ જાણે છે. શઠરાયને સ્વાભાવિક રીતે મ્હારાઉપર વિશ્વાસ નથી પરંતુ તે મીઠા બોલો છે અને આપણા