પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯

તરફથી એના ઉપર દેખીતો ઘા થયો નથી ત્યાંસુધી એને અવિશ્વાસ સંપૂર્ણ નથી. અને એ વાત સારી છે. હું એના કારભારમાં વચ્ચે પડતો નથી દેખાતો એથી એની સર્વ ખટપટ આજસુધી શાંત રહી છે પણ સદા કાળ એમ નહી રહે. અને એ ખટપટ કરવા પ્રયત્ન કરે ત્યારે તે લુલી થાય એના ઉપાય આપણે કરેલા જ છે. નરભેરામને એના સેક્રેટરીની જગા આપેલી છે. એ એના સ્વભાવ પ્રમાણે મ્હારી પણ ચેષ્ટા કરે છે અને મ્હારી નિંદા થતી હોય છે ત્યારે સામીલ રહે છે. આથી કારભારીને વિશ્વાસ એના ઉપર સજડ ચ્હોંટી ગયો છે. પરંતુ આપને ખબર છે કે એ આપણો જ માણસ છે. એણે મેરુલા સાથે દોસ્તી કરી છે અને દુષ્ટરાય પોતાની અને પોતાના બાપની જે જે બડાશો અને છાની વાતો રુપાળીપાસે કરે છે તે આપણી પાસે ચાલી આવે છે. ન્યાયાધીશ કરવતરાય અને કારભારી, બે ભાઈયો અને ત્રીજો ફોજદાર દુષ્ટરાય મળી ગરીબ પ્રજા ઉપર જે જે જુલમ કરે છે તેના આપણે આજ આંખ આડા કાન કરીયે છીયે એટલે એ લોક વધારે વધારે નિરંકુશ થાય છે એટલે એ સઉના પાપનો ઘડો એની મેળે નહીં ફુટે તો જ્યારે ઇચ્છા હશે ત્યારે એક ટકોરો માર્યે ફુટશે. ટકોરો ક્યારે મારવો એ આપણી ઈચ્છાની વાત છે. એના નિરંકુશ બનવાથી પ્રજા બળી ૨હી છે. રાજા સારા પણ પ્રધાન ખોટો - એ સઉનો વિચાર થઈ ગયો છે, અને તેમના પોકારનો ભડકો ફુંક મારતાં સળગી ઉઠશે. કારભારીને ક્‌હાડવાનું જગતની અને સાહેબની આંખે આ એક સબળ કારણ થશે. આપનો કોઈ દોષ નહી ક્‌હાડે અને પડેલા ઉપર પ્રજા પાટુ મારવાની.”

“હાથી પાછળ કુતરાં ઘણાં ભસે એ આપણી શીખામણ કારભારીને ગમી જવાથી તે દિવસે મુંબાઈનાં છાપાવાળાંઓ રુપીઆ માગતા હતા ત્યારે તેણે આપ્યા નહી. કારભારી મુંબાઈ ગયો હતો ત્યારે એક બે છાપાવાળાઓ આવ્યા હતા તેને નરભેરામની ઉશકેરણીથી મેરુલાએ કારભારીને નામે અપમાન આપ્યું. પ્રજામાંથી કેટલાંક માણસો મુંબાઈ રહે છે તેને આપણી તરફથી આવકાર મળે છે. પણ શઠરાયને રાવણના જેટલું અભિમાન છે અને આવાં માણસો સાથે ભારેખમ રહે છે એટલે તેને મળી પાછા જતાં તેઓ તેને ધિક્કારે છે અને કેટલીક વાર તો નરભેરામ તેમનો અને કારભારીનો મેળાપ પણ થવા નથી દેતો. બીજા સીપાઈયો તેનું અનુકરણ કરે છે. આ સઉની અસર જોવી હોય તો આ છાપું વાંચજો. એમાં છપાયું એટલે જુઠામાંથી સાચું ચાળી ક્‌હાડવા કોઈ બેસતું