પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨

ખરેખરી સહાયતા આપી સક્ષમ પ્રસંગોમાંથી ઉગારેલા હતા. તેઓ માનચતુરની બુદ્ધિની પ્રશંસા કરતા અને ઉપકારના બંધનથી એના દાસ થતા. જો કોઈ ઉપરી માનચતુરથી વિરુદ્ધ થયો તો માનચતુરની બુદ્ધિ અને સત્તા તેને ફસાવ્યા વિના ર્‌હેતી નહી. એવા ઉપરીની સ્ત્રીને વશ કરવામાં પોતે પરાક્રમ માનતો. અને પરાક્રમ ઉધાડી રીતે દર્શાવતો ત્યારે જંપતો. એ ઉપરીના કુટુંબમાં કંકાસ રોપાતો, એ ઉપરીની સામે તેના ઉપરી પાસે ફરિયાદ જતી, એ ઉપરી પોતાના ઉપરીનો વિશ્વાસ ખોતો, લોકમાંથી પ્રતિષ્ઠા ખોતો, તેને હજારો વેરિયો ઉભા થતા, તેના સામે અપવાદ અને અપકીર્તિ આવતાં, ઘરમાં અથવા રસ્તામાં માર ખાવાનો તેને નિરંતર ભય ઉત્પન્ન થતો, તેના મિત્રો ફુટતા અને શત્રુ જેવા બનતા, અને તે કાયર કાયર બની જઇ માનચતુરને પ્રસન્ન કરે ત્યાર સુધી સ્વસ્થ થવા પામતો નહી. જે માણસ ઉપરીને આ પ્રમાણે સતાવે તેનાથી હાથનીચેનું મંડળ કંપે તેમાં નવાઈ શી ? હાથ નીચેનાં માણસોને એ બકરાં જેવાં ગણતો, ચાલતાં સુધી તેમને સતાવવા એ બહુ હલકું માનતો, અને તેમને આશ્રય આપવામાં પોતાની વડાઈ લેખતો. તેમની ખુશામતથી છેતરાતો નહી પણ ખુશામતથી આનંદ માનતો તેમજ તેમનું કલ્યાણ કરવામાં પણ આનંદ અને મ્હોટાઈ માનતો. લુટવો તો રાજાને ને મારવો તો હાથીને એ એનો સિદ્ધાંત હતો. ગરીબ માણસો પાસેથી અથવા દ્રવ્યવાન પણ ધર્મિષ્ઠ અને ભલાં માણસ પાસેથી તે કદી પઇસો સરખો લેતો નહી અને તેનું કામ ચ્હાઈને મફત કરી આપતો. કોઇ લુચ્ચા કે એવા માણસ મળ્યા તો તેની પાસેથી ચુસી ચુસીને પઇસા ક્‌હડાવી લેતો અને તેને ત્રાહિ ત્રાહિ ક્‌હેવરાવે તે વગર તેનું કામ કરતો નહી, અને કામ થયા પછી પણ જન્મારા સુધી એ લોક પોતાના દાસ થઇ બંધનમાં ર્‌હે એવી રચના કરતો. સગાંસંબંધી અથવા મિત્રમંડળનાં ઘરમાંની સ્ત્રિયો સામું જોવું એ માનચતુર ઘણી હલકી વાત ગણતો અને તે બાબત એને અતિશય તિરસ્કાર હતો. જેણે પોતાના ઉપર રજ પણ વિશ્વાસ મુક્યો હોય તેની સ્ત્રીને ફસાવવી એમાં નામરદાની અને નાદાની માનતો. કુલટા સ્ત્રિયો સાથે વ્યવહાર રાખવો એ તો કોઈને ફસાવવાનું કામ નથી - એ તો એક હલકી સ્ત્રીને હાથે પુરુષ ફસાયા જેવું છે અને તેવા પુરુષને દમવિનાના ગણવા એવું એ માનતો. કોઈ સ્ત્રી ગમે તેવી સુંદર હોય તે પણ તેની સુંદરતા ઉપર મોહ પામી જવું એ તો રાંડને જોઇ બુદ્ધિ ખોવાનું કામ ગણતો. અને તેવી