પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧

છોકરાં હોશિયારમાં ખપે – એવી બુદ્ધિ ઉગતા બાળકમાં આવતાં વાર ન લાગી અને આવી ખરાબ ભેજવાળી હવાનો સહવાસી બાળક મ્હોટા થયા પછી પણ તે હવાવિના તેને ચ્હેન ન પડતું. ક્ષુદ્ર અધિકારનો અમલ અને દોર, પઇસાની કુમાર્ગે કમાણી અને કુમાર્ગે જ તેનો નાશ, દુષ્ટ પ્રસંગો પર પ્રીતિ, અને દુષ્ટ કર્મની ભાવના: આ સર્વેથી ભરેલા કચેરીમંડળ પર માનચતુર રાજ્ય ચલાવતો - એ સર્વ મંડળને સરકારી, નોકરો હોવા છતાં પોતાના નોકરો હોય તેમ પોતાના હાથમાં રાખતો – અને એ જ સંબંધને લીધે એનો પોતાનો પુત્ર એમની રીતભાતનો નોકર બની ગયો અને તેમની વચ્ચે રહી તેમનાથી જુદા ગુણ અને જુદી શક્તિવાળો પોતે હતો તે પોતાના ગુણ પુત્રને તેની ઉગતી અવસ્થામાં આપવાનું ભુલી ગયો. માનચતુરનો સ્વભાવ જુદો જ હતો અને એની શક્તિ પણ કાંઈ અસાધારણ હતી. એ લંપટતાને વશ ન હતો પણ લંપટતા એને વશ હતી. લંપટ થવું ધારે ત્યારે એ થતો, અને ન થવું ધારે ત્યારે ઇન્દ્રની ઇન્દ્રાણી પણ એને ચળાવી શકતી ન્હોતી. ધારું તો ઈશ્વર જેવો થાઉં અને ધારું તો સેતાન થાઉં, એવું એને ગુમાન હતું. ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, પોતાના ઉપરી, પોતાના હાથ નીચેનાં માણસ, – કોઇનો પણ હું દાસ નહી – એ સર્વ મ્હારાં દાસ : એ વાત સિદ્ધ કરવા કરી આપવામાં માનચતુર પોતાનું પુરુષત્વ માનતો. અત્યંત સુખ એને લોભાવી શકતું નહીં, અત્યંત દુઃખના ભારનીચે ડબાતો ડબાતો પણ તે હસતો. ષડ્‌વિકારોના તરંગ એની મરજી હોય ત્યારે ઉછળતા – એની મરજી હોય ત્યારે શાંત થઇ જતા. અવસ્થામાત્રને એ તૃણવત્ લેખતો. પોતાની શક્તિ દેખાડવાનો એને શોખ હતો, અને ઉપરીને, હાથ નીચેના માણસને, અને તેમજ પોતાની જાત ઉપર પણ પોતાની શક્તિ દેખાડી એ આનંદ માનતો. જો ઉપરી માનચતુરના કહ્યામાં રહે અને માનચતુરને માન આપે તો એવા ઉપરીને સંકટપ્રસંગે પોતાની બુદ્ધિ સત્તા અને દ્રવ્યના સાધનવડે સંકટમાંથી છોડવવા યત્ન કરતો અને સફળ થાય ત્યાંસુધી વિરામ પામતો નહી. કંઇક ઉપરીઓ પર લાંચના અથવા બીજી રીતે કસુર કરવાના આરોપના પ્રસંગ આવેલા કંઇકને પોતાના કામમાં ગુંચવારા ભરેલા અને આંટીના પ્રશ્ન ઉઠેલા; કંઇક પ્રજાવર્ગના રાગદ્વેષના પાત્ર થયેલા અને તેમના પર તરકટ ઉઠેલાં, કંઇક પોતાના ઉપરી અમલદારોના અભિમાન અથવા દુર્ગુણ અથવા દોષના બલિદાન થયેલા;–એવા એવા સર્વે ઉપરીઓને માનચતુરે પોતાની બુદ્ધિથી સવળા માર્ગ બતાવેલા અથવા