પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦

જઇ આ સર્વ મ્‍હોટું કુટુંબ કલોલ કરતું દેખાયું. સઉ મનોમનસાક્ષી થયાં. ધર્મલક્ષ્મીએ ગુણસુંદરીને વાળુ કરવા આગ્રહ કર્યો, ચંચળે પોતાના હાથની રસોઇ ભાભીને ચખાડવા આગ્રહ કર્યો, દુ:ખબા સુંદર જોડે ઘરને ઉમરે બેસી વાતો કરવા લાગી, ચંડિકા હીંચકે બેસી ન્હાની કુમુદને રમાડવા – હાથ ઉપર કુદાવવા – અને બાલકસામે બાળચેષ્ટા કરવા લાગી, અને કુટુંબનાં સર્વ છોકરાં તેની આશપાશ રમવા લાગ્યાં.

આ આનંદમાં એકલો ગાનચતુર ભાગ લઇ શક્યો નહી. તે કાંઇ સ્વભાવેજ દુષ્ટ હતો નહી. તેનામાં બુદ્ધિ ન હતી એવું હતું નહી, તેનામાં અંત:કરણની શુન્યતા હતી નહી. પરંતુ માનચતુરના હાથ નીચે એ ઉછર્યો હતો, એની સાથે પરદેશમાં ન્હાનપણથી રહ્યો હતો, એની કટેવોનો ન્‍હાનપણથી જ સાક્ષી થયો હતો; અને માનચતુરની કચેરીમાંનું એનું આશ્રિતમંડલ ન્હાના ગાનચતુરને બોલાવતા – ગમે તેવું તેની પાસે બોલાવતા – ગમે તેવું તેને ક્‌હેતા – ગમે તેવી વાતો તેની પાસે કરતા. કચેરીમંડળને દેશાંતરમાં આથડવાનું થતું ત્યારે થાકેલું મંડળ એને પોતાની સાથે ફેરવતું; પોતે હલકો હલકો આનંદવિનોદ કરતું અને તેમાં એને ભેળવતું; એ મ્‍હાટાં દેખાતાં માણસોના દોષમાં દોષ જોવા જેટલી સમજણ બાળકમાં ન હતી તેથી દોષને ન્‍હાનો છોકરો ગુણ જેવા સમજતો; એ મ્‍હોટાં માણસો લાંચ લે, અપશબ્દ ભરેલી વાતોના અપરસમાં રસ માની લીન થઇ જાય, એકલા કુમારા જેવા એ લોક પરદેશમાં આથડતાં લંપટવૃત્તિને નિર્લજજતાથી નિરંકુશ બનાવે, પોતાના ઘર આગળ–પાડોશમાં–રસ્તામાં સ્ત્રિયો આવે તેની મશ્કેરીયો કરે, ખાનગી પ્રસંગે આડોશીપાડોશીની વયમાં આવતી છોકરિયો સાથે – કજોડાને દુ:ખે વિવ્‍હળતા ન ખમાતાં લોકલજજાનો ભાર નાંખી દેવા આતુર બનતી બ્‍હારના પુરુષો ખોળનારીઓ સાથે – ભોળા માણસોની સ્ત્રીચરિત ભરેલી સ્ત્રિયો સાથે – સ્વભાવે જ ઠરેલી કુલટાએ સાથે – સ્‍હેલડ ઘેલિયો સાથે – છોકરાં શોધનારી વંધ્યાઓ સાથે – નોકરીમાં હાથનીચે રહેલા પુરુષોની સ્ત્રિયો સાથે – સ્ત્રીદ્વારા કામ ક્‌હડાવનારાઓની સ્ત્રિયો સાથે – વિશ્વાસુ મિત્રોના ઘરની સ્ત્રિયો સાથે – કુમાતાઓ અને દુષ્ટ સહીપણીઓ અને કુટણીઓના હાથમાં સપડાયલી બુદ્ધિહીન મુગ્ધાઓ સાથે – માનચતુરનું કચેરીમંડળ ગામપરગામમાં પ્રસંગો ખોળતું – પ્રસંગમાં આવતું, ને તેમની કુત્સિત ચેષ્ટાઓનો ગાનચતુર અનાયાસે અથવા પોતાની કે પારકી ઇચ્છાએ સાક્ષી બનતો; આ સર્વ પુરુષો એક જાતની બ્‍હાદુરી કરે છે, પુરુષાતન બતાવે છે, અને તેમના જેવું શીખે ત્યારેજ