પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨

ઉઠાયું તો નહી પણ નાગ આવતો હતો તે ભણી દૃષ્ટિ ફેરવી અને યમદૂત જેવા નાગને એણે દીઠો અને તેની સાથે આંખો આકાશ ભણી હતી તેવી કરી દીધી. સગાંસ્નેહીના વિચાર, પશ્ચાત્તાપ, દીનતા, શોક, અને આંસુ એ સર્વ સંસારના પદાર્થોનો વીજળીની ત્વરાથી ત્યાગ કરી દીધો, અને મહામંગળસમય જેવા મરણકાળને વાસ્તે સરસ્વતીચંદ્ર આંખના પલકારા જેટલી વારમાં સજજ અને સાવધાન થઇ ગયો. આ સર્પ પોતાને ક્યારે ડસે છે તેની વાટ ધડકતા હૃદયથી જોવા લાગ્યો. સર્વ સંસારનું હવે અવસાન આવે છે સમજી, ક્ષોભ તજી, તે શાંત થઇ ગયો. વિચારનો અવકાશ મળ્યે, ઉપજેલું મરણ-ભય, અવકાશ જતો રહ્યો તેની સાથે, જતું રહ્યું. માત્ર આત્મરક્ષણની સાહજિક વૃત્તિ[૧] સૂર્ય ગયા પછી પણ સૂર્યનાં કિરણ રસળે તેમ હજી રહી હતી અને એ વૃત્તિએ પણ એવું જ શીખવ્યું કે નાગની પાસે સચેતન દેખાવા કરતાં જડ દેખાઇ, જાય તે રસ્તે તેને જવા દેવો એ જ સારું છે. મહાસર્પ દોડતો દોડતો આવ્યો તે ક્ષણે સરસ્વતીચંદ્ર આવાં કારણથી હાલતો ચાલતો બંધ થઈ સ્તબ્ધ બની શ્વાસ રુંધી પડી રહ્યો. સર્પ આડો અવળો વાંકો થતો એની પાસે આવ્યો, પોતાના માર્ગને અવરોધ કરતો એને દેખી એની ચારે પાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો, અને અંતે પ્રથમ હતો તે પાસે આવી એની છાતીપર ચ્હડી ગયો. સાપ પાંચ છ હાથ લાંબો, ચાર પાંચ આંગળ જાડો, અને વિકરાળ હતો. તારાના તેજમાં એની તીવ્ર આંખો, ધોળી મુછો, અને કાંચળીમાંનો પટ આભાસ ધરવા લાગ્યા. પોતાની પ્હોળી મ્હોટા પાંદડા જેવી અગ્રફણા ઉંચી કરી કંપાવવા માંડી સરસ્વતીચંદ્રની છાતીપર નાગરાજ ડોલવા અને ભયાનક ડાકલી વગાડવા લાગ્યો. સરસ્વતીચંદ્રના ધૈર્યની સીમા આવી ગઇ અને સાપ કરડ્યો હોય એવી જ વૃત્તિ આ દેખાવ જોઇ એને થઇ ગઇ. તેના ઓઠ, નખ, અને દાંત કાળા પડ્યા હશે તે તે અંધારામાં શું જણાય પણ તે સર્વમાં શીત વ્યાપી ગયું, કાન બ્હેરા થઇ ગયા, શરીરમાંથી લોહી ફટકી ગયું, અને આત્મા શબ જેવા શરીરમાં માત્ર સાક્ષીરૂપે રહ્યા. પાંચ સાત મીનીટ સુધી વિષમય પ્રાણી આ શરીર ઉપર આમ તેમ ફર્યો અને એના ભાર નીચે ચગદાતા ગયા તેમ તેમ શરીરના અવયવ એક પછી એક મરી ગયા જેવા થયા. અંતે એકદમ પુંછડુ જોરથી સરસ્વતીચંદ્રના મોંપર ઝાપટી, શરીર ઉપરથી ઉતરી, સાપ સામે રસ્તે ચાલ્યો ગયો. તે પળે “ઓ કરડ્યો !” એવી વેદના


  1. ૧. Instinct of self-preservation.