પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮

ગરીબ બીચારી કુમુદસુંદરી ! એને બળતામાં ઘી હોમાયું, પડ્યા ઉપર પાટું થયું. એના મ્હોં ઉપરનું તેજ ઉતરી ગયું, એના પગ ધ્રુજવા લાગ્યા, પરસેવાના ઝાબેઝોબ વળી ગયા, નીચું જોઇ રહી, અને આંખમાંથી ખરખર આંસુની ધારા ચાલવા લાગી, પળવારમાં પાંચસો વિચાર એના કુમળા દુ:ખી મગજમાં તરવરી રહ્યા અને એના અંત:કરણને વલોવવા લાગ્યા. “અરે ! હું સાચી વાત કોને કહું અને કોણ માનશે ? મ્હારે કપાળે આ કાળી ટીલી આવવી તે પણ બાકી રહી ! જુઠું કેમ બોલું ? આમને કેમ છેતરું ? દમયન્તીનો હાર ચોરાયો હતો તેના જેવી આ મ્હારી દશા થઇ ! એથી પણ ભુંડું થયું એ સાચી વાત જાણનાર પરમેશ્વર ! હું સર્વ વાત તને સોપું છું. ત્હારે જે કરવું હોય તે કર – જે રસ્તે ગોળો ફેંકવા ધાર્યો હોય ત્યાં પ્હોંચાડ. હું તો અપરાધી પણ નથી અને નિરપરાધી પણ નથી ! શું બોલું ? ” કંઈ પણ ઉત્તર દીધા વિના કાગળના કડકા પ્રમાદધનના હાથમાં પાછા મુક્યા.

પ્રમાદધન વધારે ચ્હીડાયો : “કેમ ! ખરી વાત માનવી છે કે નહી ? બોલ !” કુમુદસુંદરીને એક લપડાક ચ્હડાવી દીધી. એના ઉત્તરમાં – ઉત્તર દેતા પ્હેલાં – કુમુદસુંદરીનાં આંસુ જતાં રહ્યાં, પરસેવો બંધ થયો, ધ્રુજતી રહી ગઇ, અને ગાલ પંપાળવો સરખો મુકી દઇ, બેધડક આંખે પતિના સામું જોઇ એ બોલી: “શાવાસ્તે આટલો આચકો ખાવ છો ? ધોલ મારીને કેમ અટકો છો ? ઓ મ્હારા સરદાર ! આ પેલા ખુણામાં તરવાર પડી છે તે મ્હારે ગળે મુકો, તમારી મ્હારી વચ્ચે વ્યર્થ બોલાબોલી થાય તે શું કરવા જોઇએ ? તમારે હાથે હું મરીશ તો મ્હારો મોક્ષ થશે. તમારે હાથે મરવાનું ક્યાંથી ?” જાતે જ તરવાર આણી પ્રમાદધનની પાસે મુકી અને તેના આગળ ગળું નીચું કરી ઉભી – “રખે અટકતા ! મુકો આ ગળા ઉપર તરવાર ! મ્હારે ધન્ય ઘડી ને ધન્ય દ્હાડો કે આ વખત આવ્યો !”

ઉશકેરાયલો પતિ પોતાને મારી નાંખશે એવો નિશ્ચય કરી, અને હું આ દુ:ખના ભરેલા ભવસાગરમાંથી છુટીશ એવું જાણી, પ્રતિપળે તરવારના ઘાની વાટ જોતી કુમુદ ગળું નીચું કરી રહી, અને થાકી ઉચું જુવેછે તો પ્રમાદધન મળે નહી. કુમુદસુંદરીની આવી ભયંકર સુચનાથી આભો બની જઇ, સજડ થઇ જઇ, શું કરવું તે ન સુઝતાં, કાગળના કડકા ખીસામાં નાંખી એ ચાલ્યો ગયો, વધારે બોલવા કે