પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨

છે અને હરામખોર લોક એકઠા થવા પામ્યા નથી. મુખી વડથી નદી સુધી રસ્તો સાચવે છે ચંદનદાસ તો એ જોઇને જ જતો રહ્યો છે – વાણિયો સઉ સમજી ગયો. વાઘજી વડ પાસે આવતો નથી – આંબાઓમાં ભરાઇ રહ્યો છે ને લાગ જોયાં કરેછે. ફતેસંગને ભીમજીનાં માણસો મળ્યાં – પણ કંઇ હોય નહી તેમ તાડોમાં ચાલ્યાં ગયાં ને ભીમજી પણ તેમના ભેગો ગયો – આપણે તેને છેડ્યો નથી. પુલ આગળ ઢોલ લેઇ બેઠો હતો તેને પકડતાં તેણે ઢોલ વગાડી – એ સાંભળી એક પાસેથી પરતાપ અને બીજી પાસથી ભીમજીનાં માણસો આવ્યાં. ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં જ પરતાપનાં માણસોનો ભેટો થયો....…..”

“કંઇ ઝપાઝપી થઇ ? ” માનચતુરે અધીરાઈથી પુછયું.

“પ્રતાપે આવી પુછયું કે ઢોલવાળાને કેમ પકડો છો ? ફતેસંગે કહ્યું – ચાલ, ચાલ, તું કોણ પુછવાવાળો છે? વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે છોકરાઓ બ્હારવટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકારનું અને ભૂપસંગનું વારંટ છે તે આ ત્રણે હદમાં બજાવવાનો હુકમ છે – આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે.”

“ફીર ક્યા હુઆ ?” અબ્દુલ્લો બોલ્યો.

“ફતેસંગે દાંત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવ છો; માટે બોલી; જાવ કે તમે કોણ છો – તમને પણ પકડવા પડશે !”

“ખુબ કિયા ! ફતેસિંગ !” અબ્દુલ્લો મુછો આમળવા લાગ્યો. “ફીર ક્યા હુઆ ?”

“પરતાપ નરમ જેવો થઇ ગયો અને બોલ્યો કે ભાઇઓ અમે તો ભદ્રેશ્વર જવા નીકળ્યા છિયે – બ્હારવટિયાઓને ઓળખતા નથી; પણ આ માણસને મુકો – એ અમારા સાથમાંનો છે – મહાદેવમાં આ ઢોલ અમારે ભેટ મુકવાની છે.”

માનચતુર હસવા લાગ્યો; “જો મ્હારો વ્હાલો !”

“ફતેસિંગે કહ્યું કે તે ગમે તે હો – આ માણસ કે ઢોલ કંઇ પણ તમને નહી મળે. આટલું બોલી એમણે હુકમ આપયો કે જુવો છો શું – સઉ બ્હારવટિયાઓના સંગી દેખાય છે –પકડો કે મારો હરામખોરોને !"