પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩

છેવટે ડોસો આંખો ચોળતો ચોળતો લાકડીપર ટેકી બ્હાર આવ્યો અને ગુસ્સે થઈ બોલ્યો: “આ શું તોફાન માંડ્યું છે? ઘરમાં ન કોઇને ખાવાની ચિંતા ને ન કોઇને ખવરાવવાની ચિંતા. એક વાગી ગયો ત્યાંસુધી જાણે ઘરમાં બઇરું જ ન હોય તેમ નથી કોઈ પુછતું, કે ખાવાની કેટલી વાર છે અને નથી કોઈ ક્‌હેતું કે જમવા ઉઠો !” વિદ્યાચતુર ક્‌હે “પિતાજી, માતુશ્રીને દેવ નથી જડતા તેની આ ભાંજગડ છે. અચિન્ત્યા પાલખામાંથી ક્યાં ગયા તે જણાતું નથી.”

માનચતુર – દેવ એના જડવાના હશે તો જડશે ને નહી જડવાના હોય તો નહી જડે. પણ આ બધા જીવતા પરમાત્માના પેટની ચિંતાફીકર હોય કે ન હોય? એવી ચિંતા ન રાખે તેનાપર તો દેવ ન કોપતા હોય તો કોપે અને દ્હેરાસર વાસેલું હોય તેમાંથી અદૃશ્ય થાય તો ઉઘાડા પાલખાનું શું પુછવું ? ચાલ, દુ:ખબા, અમને જમાડ તરત. એને તો દેવ જડશે ત્યાંસુધી લાંઘણો કરવી પડશે.

ડોશીને એક દુ:ખમાં બીજું દુ:ખ આ વચન સાંભળવાનું આવ્યું. કઠોર તીક્ષ્ણ વચન અને તેમાં પણ ઈષ્ટદેવનો તિરસ્કાર : આ સાંભળી ચારપાસ અને પોપચે કરચલિયો વાળી આંખોમાં ધર્મલક્ષ્મીને આંસું ભરાયાં, અને કાન ઉપર હાથ દેતી દેતી, બોલી, “અરેરે, આવાં નાસ્તિક વચન ન બોલતા હો તો શું થાય ? સતજુગમાં દેવની સેવા કર્યાનું ફળ છે તેથી વધારે ફળ કળજુગમાં દેવસેવા કરાવ્યાનું છે. આ અવતાર આટલું આટલું દુ:ખ તમે ખમો છો અને હુ ખમું છું ને આવતે અવતારે પણ ખમવું છે ? આપણે તો એક બીજાનાં પુણ્યપાપનાં ભાગિયાં છિએ. તમારાથી થતું નથી ને મ્હારે હાથે થવા દેતા નથી ! બળ્યું આ પેટ ને બળ્યા આ ધોળા વાળ ! પેટે દેવની નિન્દા કરાવીને ધોળા વાળે પણ દેવનું સ્મરણ ન કરાવ્યું.! દેવસેવાનું પુણ્ય હશે તો આ છોકરાં પણ સારાં ઉઠશે. કંઇ તો વિચાર કરો. દુ:ખબા ! ચંચળ ! ચંડીવહુ ! આ તમારા પાપને લીધે મ્હારે આ વચન સાંભળવાં પડ્યાં ! ન્હાની વહુ ઘરમાં હરતી ફરતી હોય તો મ્હારે આ વખત ન આવે ! – તમે મહીનો માસ પણ ઘરની સંભાળ ન રાખી શકયાં – ચંચળ ! દેવ ક્યાં ગયા તે હું સમજી છું; ત્હારા બાપનો સ્વભાવ તને ખબર છે જ. એમને અને સઉને જમાડ, મ્હારે તો દેવ જડે ત્યાંસુધી જમવું નથી.” આંખે આંસુ ન માય એમ રોતાં રોતાં ડોશી દેવના પાલખા આગળ બેસી રોયાં અને આખરે પાલખા આગળ નાકલીટિયો તાણી દેવને કાલાવાલા કરવા લાગ્યાં: