પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬

સમજ્યાં જ છે સ્તો ! હવે વધારે શું પુછો છો ? મ્‍હારે રોજ પરસાળની મેડિયે સામાન લેવા જવું પડે છે, અને કોણ જાણે શું એમને ભૂત ભરાયું છે કે રોજ મ્‍હારે ત્યાં જવું ને. રોજ ત્યાં એમનું આવવું થાય છે ને મને કનડે છે. અત્યાર સુધી તો હું છટકી જવા પામી છું અને ઈશ્વરે મ્‍હારી લાજ રાખી છે. પણ અરેરે ! રોજ હવાડે બેસે તેને કોઇ વખત કુવામાં પડવાની બ્‍હીક.”

“તમે હવેથી ઉપર ન જશો. કાલે મ્‍હારે ન્‍હાવાનું છે એટલે કાલથી હું જ જઇશ. પણ આજ આ શું બન્યું ને તમારા ઉપર ભાભી કેમ રીસે ભરાયાં ? ”

“બળી એ વાત. એ સધવા ને હું વિધવા, એમનો ધણી પુરૂષ ને હું તે બાઈડીમાણસ, મ્‍હારું રાંકનું લોહી તે હલકું હોય એમાં શી નવાઈ ? એ બે ક્‌હે કે કરે તે ખરું, ને મ્‍હારું સઉ ખોટું. હું કહીશ તે યે નહી મનાય ને નહી કહું તે યે નહીં મનાય. મને શું કરવા પુછો છો ? જો હાથે આવરદા ટુંકો કરાતો હત, તો આ વખત શું કરવા આવત ? કુવો હવાડો યે કરાય ને ગળે ફાંસો ધાલું ત્‍હોયે ઘલાય. પણ એથી કાંઈ મ્‍હારા કપાળમાં લખેલું હશે તેથી છુટાવાનું છે ? એમ જાણું કે આ અવતારમાં દુ:ખથી છુટું તો આપહત્યારી થાઉં ને બીજા સાત અવતાર એવું ને એવું ખમવું પડે – જો એમ ન હત તો ભાઇને ત્યાં એ શું કરવા ઓશીયાળી થાત ને ત્યાંથી અહિયાં પણ શું કરવા આવત ? પાપ કરતાં કાંઇ પાછું જોયું હશે ત્યારે તમારા હૃદયમાં આમ હરિ વસે છે ને મ્‍હારા૫ર દયા રાખે છો ! બાકી તમે તો મ્‍હારે સારુ શું કરવા આટલું કરો ? હું તે તમારી શી સગી ? પણ આજ તો સગાં તે સગાં નહી ને આઘેનાં તે સગાં થાય છે. ઓ ન્હાનાંભાભી ! જાતે તો મરાતું નથી પણ કુવા આગળ જ ઇએ છિયે ત્યારે કોઇ ધક્કો યે મારતું નથી ને સ્‍હેજમાં અથડાઇ એ પડાતું નથી ! તમે મને શું કરવા પુછો છો ?” આટલું બોલતાં બોલતાં સુંદર ગળગળી થઇ ગઇ, અને ન ર્‌હેવાતાં ગુણસુંદરીના ખેાળામાં માથું નાંખી રોઇ પડી અને એને ગળે હાથ નાંખી રોતી રોતી બોલી: “ઓ ભાભી ! તમે તો મ્‍હારી મા છો ! તમે જ મ્‍હારાં જનેતા ! ઓ મ્‍હારી મા રે ! ”– આમ કરી સુંદર વધારે વધારે રોવા લાગી, અને અંતે અમુઝણથી છાતીમાં ડચુરો ભરાયો કે કંઇ થયું હોય એમ તેનું આખું શરીર ખેંચાવા અને તણાવા લાગ્યું, ધ્રુજવા લાગ્યું, અને અંતે એક છેલી જબરી હેડકી આવી હોય તેમ