પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

કરતાં હતાં, આ ઉપવનમાં સરસ્વતીચંદ્રને ઉતારો આપવો એવી વિષ્ણુદાસજીએ ગોસાંઈઓને આજ્ઞા કરી હતી, તેથી મન્દીર-મઠના દ્વારમાં પ્રવેશ કરી, આનંદગર્જના કરતા જોગીo, ગુરુવચન ઉપર શ્રદ્ધા રાખી, તેમના આદરના પાત્ર ઉપર જાતે આદર રાખી, આગળની ઓસરીમાંના આશ્ચર્ય પામતા અનધિકારિયો વચ્ચે થઈને, ચોકમાં તુલસી-ક્યારાની એક પાસે થઈને ગુરુજીવાળી ઓસરીમાં જઈ, ઉપવનમાં સરસ્વતીચંદ્રને લેઈ ગયા. ઝરાપાસે ન્યગ્રોધની શાખાઓની છાયામાં પાથરી રાખેલા મૃગચર્મ ઉપર એને બેસાડ્યો અને એ મંડળીમાંથી મોહનપુરી અને વિહારપુરી ગુરુજીની આજ્ઞા લેવા ગયા.

વિષ્ણુદાસ જયોતિશાસ્ત્ર ભણેલા હતા અને તેના ઉપર તેમ જ એવાં બીજા શાસ્ત્રો ઉપર અત્યંત શ્રદ્ધા રાખતા હતા!! તેમનું વય વૃધ્ધ થવા આવ્યું હતું અને પોતાનું સ્થાન સંભાળનાર કોઈ મહાત્મા જડી આવે તો હું અપશ્ચિમ-સમાધિને પ્રાપ્ત થઉં. એવી ઈચ્છાથી નિત્ય ગણિત કરતા અને ગઈ કાલ જે નક્ષત્ર-મુહૂર્ત-ક્ષણમાં કોઈ મહાત્મા જડવો જોઈએ એવું એમને ગણિતથી સિદ્ધ થયું હતું તે ક્ષણમાં જ સરસ્વતીચંદ્ર પ્રાપ્ત થવાથી તેમની શ્રદ્ધા દૃઢતમ થઈ હતી અને તેમને અત્યંત ઉત્સાહ થયો હતો. પ્રાત:કાળમાં અતિથિની સાથે થયેલા ગોષ્ઠી-વિનોદનું વિહારપુરીએ વર્ણન કર્યું હતું તેથી આ શ્રદ્ધા અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ અને આ નવા પુરુષની જાતે પરીક્ષા કરવા તેમને ઉત્સુકતા થઈ.

અત્યારે વિષ્ણુદાસ પૂજા કરી ર્‌હેવા આવ્યા હતા અને વિહારપુરી તથા મોહનપુરીએ સમાચાર નિવેદન કરતામાં જ આજ્ઞા આપી કે “એ પુરુષને સત્વર આ મન્દિરમાં લાવો–એને ગીર્વાણ ભાષા આવડે છે; હું તેની પરીક્ષા પળમાં કરીશ.”

પળવાર સરસ્વતીચંદ્રને આગળ કરી બાવાઓ લાવ્યા. મંદિરના દ્વારમાં પ્રવેશ કરી, વિષ્ણુદાસને પ્રણામ કર્યા, યદુનંદનથી પ્રતિમા ભણી દૃષ્ટિ ન કરી, અને દ્વારમાં જ ઉભો. સર્વને આ ખેલ વિચિત્ર લાવ્યો; ક્ષોભ ન પામતાં પોતાને સ્થાને બેસી રહી, અતિથિ ભણી ઉંચું જોઈ વિષ્ણુદાસ બોલ્યાઃ

"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता ।
"किं नाम ते त्वं कुत आगतोऽसि ॥[૧]

  1. ૧.હે બાળક ! તું કોણ છે ? કોનો છે ? ક્યાં જવાનો છે ? ત્‍હારું નામ શું ? કયાંથી આવ્યો? હે બાળક, આ મ્‍હેં કહ્યું તેનો ઉત્તર અાપ અને મને પ્રસન્ન કર, તું પ્રીતિને વધારનાર છેઃ -હસ્તામલક સ્તોત્ર.