પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮

ભાયાતોનો નિરોધ કરવા મ્હેં આપને સૂચના કરી હતી તે દુષ્ટ હતી એમ હવે મને લાગે છે, અરેરે ! આ રાજભક્ત પુરૂષોને વાસ્તે જો આપે જ સદ્દભાવ ન બતાવ્યો હત તે મ્હારા વચનથી દુષ્ટ ફળ થાત. મહારાજ, આપના મહાન અંતઃકરણે સામંતને જે શિક્ષા કરી તેનું દૃષ્ટાંત આ શ્રુદ્ર જીવથી ભુલાય એમ નથી. મરાઠાઓને આપ ગર્ભચોર ક્‌હો છો તે તો જગત જાણે છે; પણ આપના જેવા ગર્ભમહારાજનું મહારાજત્વ જોઈ મ્હારું હૃદય દ્રવે છે, આનંદ પામે છે, અને તેમની સેવાના પ્રસંગથી અભિમાન ધારે છે. સૂર્યવંશી મહારાજ, આપના શબ્દેશબ્દ હું આ હૃદયમાં કોતરી રાખીશ અને આપના અનુયાયીને પ્હોંચાડીશ. પણ આપ એ સંદેશો ક્‌હાવવાનો પ્રસંગ અત્યારે શાથી કલ્પો છો ? ”

મલ્લરાજે હાસ્ય કર્યું: “જરાશંકર, રાજા અને પ્રધાન અન્યોન્યના અંકુશ છે. રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એ ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ કાર્યમાં પિતા, પુત્ર, પૌત્ર આદિ સર્વ રાજાઓને એક જ પુરૂષ રાજા ગણેલો છે. તે કદી મરતો નથી અને એક યુગના રાજમંત્ર બીજા યુગને પહોંચાડે છે, તે રાજ્ય ઉપર કુટુંબભાવ રાખે છે. પણ રાજા, આસપાસના દેશોમાં ચારે પાસ વધેલાં અનુભવ અને વિદ્યામાં, પ્હોંચી વળતો નથી અને તેથી તેને તે સર્વ વિદ્યાનુભવે પામેલા પ્રધાનો સાથે જોડાવાની જરુર છે - જેમ દીકરો માબાપના સ્વગૃહની કન્યાને અગ્રાહ્ય ગણી પરગૃહની કન્યા સાથે જોડાય તો જ ધર્મ પ્રવર્તે છે. ભાયાતોને દુ:ખ દેવું જેમ અનિષ્ટ છે તેમ તેમને પ્રધાનપદ આપવું પણ રાજ્યને અનિષ્ટ છે. પરગૃહની કન્યા સાથે સ્વગૃહનો પુત્ર જે મંત્ર કરે તે કાંઈ ઓર જ થાય છે અને તે જાણવાનો તેમ તેમાં વચ્ચે પડવાનો અધિકાર માતાપિતાને કે બંધુઓને નથી, તેમ જ રાજા અને પ્રધાન વચ્ચેના મંત્ર પ્રત્યે મ્હારા ભાયાતોના ધર્મ સમજવા. જરાશંકર, જેમ પુત્ર માવડીયો થાય તો તેને કન્યાના ભણીથી અંકુશ વાગવો ધર્મ્ય છે તેમ રાજા અયોગ્યરીતે કુટુંબવત્સલ થાય તો પ્રધાને તેના સામે અંકુશ ધરવો જ જોઈયે. ત્હારી સૂચના કેવળ સધર્મ હતી; માત્ર ફેર એટલો હતો કે મ્હારા ભાઈઓનો સ્વભાવ હું જ જાણતો હતો, અને ત્હારું ઈષ્ટ ફળ મ્હારી વત્સલતાથી જળવાય એમ હતું, તેથી મ્હેં મ્હારો અધિકાર વાપર્યો. ત્હેં જે નિર્ભય રીતે બુદ્ધિ ચલાવી તેમ સર્વદા ચલવવી.