પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫

“ મહારાજ !”

આકાશ ભણી નેત્ર કરી, કેડે તરવારની મુઠ ઉપર હાથ ડાબી, વિકરાળ સ્વરૂપ ધારણ કરી, મલ્લરાજ અચીન્ત્યો ઉભો થયો. “બ્રાહ્મણ ! તું સત્ય ક્‌હે છે, પણ હાલ તો સર્વ ક્ષત્રિયોની સુહાગણ રાણી રણભૂમિ ગુજરી ગઈ છે તેને અસહ્ય શોક થઈ ર્‌હેશે ત્યાંસુધી જીવને શાંતિ વળવાની નથી. જા, મ્હારી રજપુતાણીને જઈને ક્‌હે કે હવે ત્હારો રણશૂરો રજપુત મટી ગયો ! – એ વટલાયો.” રાજાનું નેત્ર હજી શૂન્ય આકાશ ભણી હતું.

જરાશંકરે રાણીને તેડવા મોકલ્યું. મેનારાણી, પ્રધાનની લાજ છોડી, ઉઘાડે મુખે, ગભરાતી, હાંફતી, આવી. રાણીનું આ સ્વરૂપ પ્રધાને પ્રથમ જ જોયું. તેની આંખમાં આંસુ આવ્યાં, અને હાથ જોડી, “માતાજી” સંબોધન ઉચ્ચારી, રાણીને રાજાની સર્વ અવસ્થા વિદિત કરી. રાણી રાજાની સ્થિતિ જોતી થોડીક વાર ઉભી – રાજાએ તેના સામી દૃષ્ટિ સરખી ન કરી – અંતે રાણીએ શાંત મનથી કંઈક વિચાર કર્યો. જરાશંકરને દ્વાર વાસી બ્હાર બેસવા આજ્ઞા કરી, અને પોતે રાજાના સામી જઈ ઉભી. ત્હોયે એને રાજાએ જોઈ નહી. રાણીએ રાજાના ખભાઓ પર પોતાના હાથ મુક્યા. ત્હોયે રાજા ચમક્યો નહીં – તો બોલે તો શાનું ? રાણીએ રાજાને કપાળે અને મુખે પોતાનો હાથ ફેરવ્યો અને ફેરવતાં બોલીઃ “મહારાજ ! સ્વામીનાથ !”

રાજાએ રાણીના ભણી જોયું; તેને ખભે પોતે હાથ મુક્યા; “કેમ, રાણી, શું જોઈએ ?”

“મહારાજ પ્રસન્ન હોય તો રાણીને શું જોઈએ ? આપને ખેદ એ રાણીનું સર્વસ્વ ગયા જેવો પ્રસંગ ”

“જરાશંકર ક્યાં ?”

“આપના મનની અવસ્થાનો ખેદ કરતાં પ્રધાનજી બ્હાર બેઠા છે.”

“તમે ક્યારનાં આવ્યાં ?”

"હું ક્યારની એ આવી હઉં પણ મહારાજે મ્હારા ઉપર દૃષ્ટિ કરી ત્યાર પ્હેલાંનું આવ્યું નકામું. મહારાજ, આપ જેવાને શાનો ખેદ થયો ? ”

“તે પુછવાનો તમારો અધિકાર ?”

“આપના આનંદમાં અધિકાર મને આપો ત્યારે મને મળે, પણ આપના દુઃખમાં તો વગર આપ્યો અધિકાર ભોગવું છું. મહારાજ,