પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦

મ્હેં તને આ જ વિચારથી મુક્યો છે ને ઘણી સંભાળ રાખી એવી યોજના કરી છે કે રાજાઓને માથે ન્યાય અન્યાય કાંઈએ આવે નહી. રાજાએ ન્યાયનું કામ પ્રધાનો પાસે કરાવવું ને જાતે તેમાં પડવું નહીં. એનું કારણ આવું જ છે. જો ભાયાતોનું કામ રાજાઓના હાથમાં જરી પણ રાખ્યું હત તે મ્હારા વારસો અને મ્હારા ભાઈઓ વચ્ચે ઘડી ઘડી કુટુંબક્લેશ થાત અને વંશપરંપરા સર્વ રાજાઓના અપયશનું મૂળ રોપાત. તે કામ મ્હેં કર્યું નથી. અને હાલ આરંભેલા કામમાં એટલો ભાર છે કે મ્હારા સો પ્રધાનોથી તે થાય એમ નથી અને ત્હારા હાથીની સુંડ જરીક હલાવવાથી એ કામ સિદ્ધ થશે, અને એ હાથીનો મલ્લરાજરૂપ એક દંતુસળ ભાંગશે તો કાલ વ્હાણે બીજો ઉગશે-પણ એથી એ ત્હારા હાથીના દીર્ઘ આયુષ્યમાં બીજાં સો વર્ષ ઉમેરાયાં સમજજે.”

“હવે મ્હારે પ્રશ્ન કરવા જેવો આપે રાખ્યો નથી”– જરાશંકરે કહ્યું.

“તો હવે આજ જા – અને થાય છે તે જોયા કર - આજે ઘણું કામ કર્યું."

જ૨ાશંકર ગયો. સામંતને સોંપેલું કામ સિદ્ધ થતાં હકરતો પડી, શ્રમ પડ્યો; પણ મલ્લરાજના ઉપરનો મૂળ વિશ્વાસ અને પ્રેમ, અર્વાચીન વૈશ્ય બુદ્ધિની નદીનો ઉદય થયા પ્હેલાંનું રાજભક્ત ક્ષત્રિયત્વ, આ યુગના બુદ્ધિવિરોધ અથવા બુદ્ધિવિભ્રમના અનેક રંગો વગરનાં – એક વાત જાણી સંતોષ માનનાર અને એક–રંગી – જુનાં માણસોનાં સરલ હૃદયો ઉપર સામંતનું પ્રેમાળ તંત્રિત્વ, તે સર્વને અંતે તે સર્વના પ્રેમ અને વિશ્વાસના સુપાત્ર મલ્લરાજે રાજત્યાગ કરવા કહેલું વચન, તે વચન એ પાળશે આવી નિશ્ચય-બુદ્ધિ, એ બુદ્ધિને લીધે આ કાર્યમાં રહેલા રાજય-કલ્યાણ અને ગૌરવનું ભાન, અને એ વચનથી અનેકધા વધેલી રાજપ્રીતિ અને એ ભાનથી અને આ વચનના દ્રષ્ટાંતથી વધેલી સ્વાર્થ- ત્યાગની સ્પર્ધા : આ સર્વ કારણોનું પરિણામ એ થયું કે મલ્લરાજનો મનોરથ તેના રાજભક્ત અને સદ્દગુણી ભાઈઓએ એક અક્ષર બોલ્યા વિના અને એક અક્ષર ફેરવ્યા વિના સિદ્ધ કર્યો અને નીમેલા પ્રાતઃકાળના ઉદયની સાથે મહારાજની આંખ ઉઘડતાં મેનોરાણીએ સામંતે