પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧

બ્હારથી ક્‌હાવેલા આ શુભ સમાચાર રાજાને કહ્યા અને પતિને પ્રસન્ન કરવાનો પોતાનો અધિકાર સંસિદ્ધ કર્યો.

રાજા સામંતને મળ્યો અને ઉપકારમાં તેને ભેટતાં ભેટતાં બોલ્યો: “સામંત, આવી ભેટ છેલી જ સમજજે. આવું મ્હોટું કામ હવે મ્હારે કે ત્હારે કરવાનું રહ્યું નથી, અને જો કરવાનું આવશે તો નવા યુગના રાજાને તેના ભાયાતો આટલો સત્કાર આપવાના નથી. હું હવે ભરદરબાર ભરી મ્હારા ભાઈયોનો ઉપકાર માનીશ – રત્નનગરીનું રાજ્ય અને તેનો રાજા એમના પાડનો બદલો વાળી શકે એમ નથી.” — સામંતને વીદાય કરી રાણી પાસે ગયો, ને યાદ આવતાં બોલ્યો:

“રાણી, મ્હારા પ્રધાનને આખી રાત નિદ્રા નહી આવી હોય. આપણા વિશ્વાસુ ભલ્લજી સાથે તેને સત્વર ક્‌હાવ કે ઉંટ ને હાથી બે કુશળ રહ્યાં ને દરવાજો એની મેળે ઉઘડ્યો.” રાણી તે પ્રમાણે કરવા ગઈ એટલામાં રાજા મનમાં બોલ્યો: “યશનું અંગ રાજા ને અપયશનું અંગ પ્રધાન – એ વાત નવી જાણી. ગાળો અને શિક્ષા પ્રધાન ઉંટની પેઠે ખમે – એનો એને બદલો શો ? રાજાએ પોતાની સ્વતંત્રતા ઓછી કરી, પોતાની ઈચ્છા અને શક્તિ પ્રધાનને વશ રાખી, આ પરગૃહથી આણેલા પ્રધાનરત્નના શિષ્ય બનવું એ સંપ્રદાય હવે સમજાયો. જ્યાં એ સંપ્રદાય પળાય નહી ત્યાં પ્રધાનને ઉંટને સ્થળે વાપરવો અશક્ય છે; એ સંપ્રદાયની ક્રિયાવડે જ રાજા પ્રધાનનું મૂલ્ય જાણે છે, કૃતજ્ઞતા બતાવે છે, અને પ્રધાનની પ્રધાનતાના દુઃખને બદલો જે જાતના સુખથી વળે તે સુખ આપે છે – ખરી વાત છે. પ્રધાન રાજ્યકાર્યનું ઉંટ - આ મ્હારા ગૃહકાર્યની સાંઢણી આવી:- એ ઉભય રત્નને તેમના કાર્યમાં સરખીરીતે વશ્ ર્‌હેવું એ જ મને ઘટે છે.”

મેના રાણી આવી. રાત્રે રાજાએ તેને પોતાની ચિંતાનું કારણ અને તેના ઉપાયની સાધના કહી દીધાં હતાં. અત્યારે હાથી ને ઉંટની વાત સમજાવી, સમજાવતાં સમજાવતાં કહ્યું : "રાણી, આ ઉંટ રાજ્યનું મહામૂલ્યવાન રત્ન છે – તે જો આજ આ કામમાં યોજ્યું હત તો ત્હારે નક્કી જાણવું કે અત્યારે આ દરવાજો ઉઘાડ્યાના સમાચારને ઠેકાણે ઉંટ મરી ગયાના સમાચાર આવ્યા હત. ખરે, પ્રધાનોની રાજાએ બહુ રીતે જાતે ચિંતા કરી કાળજી અને રક્ષા કરવા જેવું છે - જે રાજા પોતાના પ્રધાનની દયા આણતો નથી તે દુષ્ટ છે, જો